છોટાઉદેપુર જિલ્લામાં થયેલ મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે સમગ્ર વિસ્તારમાં મોનસુન સિઝને બરાબર પોતાના પગ જમાવ્યા છે, અને પ્રજાજનોને થતાં બફારાથી છુટકારો મળી આવેલ છે, પરંતુ સિક્કાની બે બાજુ હોય છે તેમ થયેલ વાતાવરણમાં ઠંડકનાં કારણે ઘરે ઘરે છોટાઉદેપુર નગર સહિતના વિસ્તારમાં માંદગીના ખાટલા મંડાયા છે. છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં થયેલ મેઘખાંગાના પરિણામે વાતાવરણમાં એકદમ પલ્ટો આવવા પામેલ છે, જેને લઇ પ્રજાજનોને અતિશય થતા બફારાથી છુટકારો તો મળી આવેલ છે, પરંતુ મોનસુનની સિઝનમાં થતાં પાણીજન્ય રોગોનાં દર્દીઓની ભરમાળ નીકળી પડી છે. છોટાઉદેપુર નગર સહિતનાં વિસ્તારમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા મંડ્યા છે. જેમાં મેલેરિયા, ટાઇફોડ તેમજ વાઇરલ ઇન્ફેકશનના દર્દીઓથી મોટી સંખ્યામાં મળી આવતાં પ્રજાજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હાલના તબક્કે પ્રજાજનોનું આરોગ્ય જોખમાતુ નજરે પડે છે. જોકે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના તબીબો નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવતા પ્રજાજનોને અવિરત પ્રમાણે સેવા મળી રહી છે. તબીબી સૂત્રોનું માનીએ તો રોજની 200 થી ઉપરની ઓપીડી જોવામાં આવી રહી છે. જેમાં ૨૦ ઉપરાંત મેલેરિયા ટેસ્ટના તેમજ 10 થી ઉપર ટાઇફોઇડનાં ટેસ્ટના દર્દીઓમાં લક્ષણો જણાતા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સૂત્રોનાં જણાવ્યાનુસાર છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલમાં 72 ઉપર ઇન્ડોર દર્દીઓ દાખલ છે. એક તરફ કોરોના મહામારીનો કહેર તો બીજી બાજુ વાઈરલ ઇન્ફેકશનનો વાવર તેવામાં પ્રજાજનો દ્વારા સ્વસાવચેતી અને ઝીણવટ ભરી તકેદારી જ સ્વાસ્થ્ય સલામતી માટે આવશ્યક તેમજ ઉત્તમ ઉપાય સાબિત થાય તેમ છે.
તૌફીક શેખ