ભરૂચ જિલ્લાનાં ઝઘડીયાના બે પાકા કામના કેદી પેરોલ પર છુટયા હતા. બાદમાં હાજર થવાની તારીખે હાજર થવાના બદલે નાસતા ફરતા હતા.ઝઘડીયા પોલીસે આ કેદીઓને ઝડપીને જેલ હવાલે કરવા કવાયત હાથ ધરી હતી. મળતી વિગતો મુજબ ઝઘડિયાના હનુમાન ફળિયામાં રહેતો અજય ઉર્ફે ગજો અશ્વિનભાઈ વસાવા તથા હનુમાન ફળિયામાં રહેતો અશોક ભીખાભાઈ વસાવા બંને વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં અલગ-અલગ ગુનાઓની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં બંને ઇસમોને આજીવન કેદની સજા થઈ હતી. જે પૈકી અજય ઉર્ફે ગજો અશ્વિનભાઈ વસાવાને ગત તા. ૫.૬.૨૦ ના રોજ ૧૪ દિવસ માટે ફલો રજા પર મુક્ત કરેલ હતો અને આ પાકા કામના કેદીએ તા. ૧૬.૭.૨૦ના રોજ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે હાજર થવાનું હતું તથા અશોક ભીખાભાઈ વસાવાને કોરોના મહામારીના કારણે ગત તા. ૭.૪.૨૦ થી ૬.૭.૨૦ સુધી તેની રજામાં વધારો થયેલ હતો. ઝઘડિયાના આ બંને કેદી અજય ઉર્ફે ગજો અશ્વિન વસાવા તથા અશોક ભીખાભાઈ વસાવા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે તેમણે હાજર થવાની તારીખે હાજર નહિ થતાં મધ્યસ્થ જેલનાં અંડર ટ્રાયલ જેલર દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઝઘડિયા પોલીસે પી.આઇ.વસાવાના માર્ગદર્શન હેઠળ ફરિયાદના આધારે ફરાર થઈ ગયેલ બંને પાકા કામના કેદીઓની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં ઝડપી લઇને તેઓને જેલ હવાલે કરવા કવાયત હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.