રાજપારડીના પોલીસ જવાનોને જીવન રક્ષા પદક અને એક લાખ રૂપિયા આપી સન્માનિત કરાયા.
ભરૂચ શહેર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના પ્રસંગે રાજપારડીના પોલીસ જવાનો દિનેશભાઇ વસાવા, ફિરોઝભાઇ મુલ્તાનીને સહકાર રાજ્ય મંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ જીવન રક્ષા પદક અને એકલાખ રૂપિયાના ચેક અર્પણ કરી સન્માનિત કરાયા હતા. સાથે સાથે ભરૂચના જાંબાઝ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાને પણ ભરૂચ ખાતે સન્માનિત કરાયા હતા. જ્યારે રાજપારડી પોલીસના અન્ય એક જાંબાઝ જવાન શ્રવણ કુમાર વસાવાને નર્મદા જીલ્લાના રાજપીપલા ખાતે સન્માનિત કરાયા હતા અને રાજપારડી પોલીસ સ્ટેશનના તાત્કાલિન પી.એસ.આઇ પી.સી.સરવૈયાને અમદાવાદ ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તમામને રાષ્ટ્રપતિ જીવન રક્ષા પદક સાથે એક લાખ રૂપિયાના ચેક એનાયત કરાયા હતા. ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીથી અવિધા ગામ તરફ જતા રસ્તામાં ભુંડવા ખાડીમાં ૨૦૧૮ના વર્ષમાં વરસાદી પાણીના પુરમાં એસટી બસના ૧૭ મુસાફરો ફસાયા હતા તે વખતના પી.એસ.આઇ. સરવેૈયાને બનાવની જાણ થતાં તરત રેસ્કયુની સાધનસામગ્રી લઇને હે.કો.નિકુલભાઇ રામી,પો.કો.દિનેશભાઇ વસાવા,ફિરોઝ મુલ્તાની,શ્રવણકુમાર વસાવા,સતિષભાઇ વસાવા,વિકાશભાઇ વસાવાને સાથે રાખી ટીમ બનાવી ભુંડવા ખાડીના પુરમાં ફસાયેલા વૃદ્ધો,પુરૂષો,મહિલાઓ,નાના બાળકો સહિત કુલ ૧૭ મુસાફરોને સલામત રીતે રેસ્કયુ કરી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ સી.એમ એસ.પી તેમજ ગૃહ વિભાગે રાજપારડી પોલીસની કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છેકે હાલના પી.એસ.આઇ.જયદિપસિંહ જાદવ તેમજ સ્ટાફના જવાનો દ્વારા ગત વર્ષના ચોમાસા દરમિયાન જુની જરસાડ ગામે પુરના પાણીના ફસાયેલા ૩૨ જેટલા ગ્રામિણોને રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા તે વખતે પણ સી.એમ.વિજય રૂપાણીએ પી.એસ.આઇ.સહિત પોલીસ જવાનોની કામગીરીને બિરદાવી હતી. આમ રાજપારડી પોલીસની કામગીરીને સ્થાનિક તેમજ ઉચ્ચ સ્તરે બિરદાવવામાં આવી હતી.
ગુલામહુશેન ખત્રી:-રાજપારડી