ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક આવેલ ધોલી ડેમ ઓવરફ્લો થતાં માધુમતિ ખાડીના હેઠવાસમાં આવેલ ગામોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. ઝઘડીયા મામલતદાર કચેરીમાંથી બહાર પાડવામાં આવેલ એક યાદીમાં જણાવાયા મુજબ માધુમતિ ખાડી પરના ધોલી ડેમનું લેવલ તા.૧૬ ઓગસ્ટ નારોજ ૭.૩૯ કલાકે ૧૩૬.૦૫ મી.થયેલ છે.જેથી ડેમ ૦૫ સે.મી.થી ઓવરફ્લો થયેલ છે.માધુમતિ ખાડીના હેઠવાસના ગામો;ધોલી, રઝલવાડા, મોટાસોરવા, રાજપારડી,ભીલવાડા,કાંટોલ,સારસા,કપાટ,વણાકપોર,જરસાડ,રાજપરા વિ.ગામોના લોકોને સાવચેત રહેવા જણાવાયુ છે. લોકોએ ખાડીમાં અવરજવર કરવી નહિ તેમજ ઢોરોને ખાડીમાં નહિ લઇ જવા જણાવવામાં આવ્યુ છે. આ અંગે સંબંધિત ગામોના તલાટીઓને જરુરી સુચના આપવામાં આવી હોવાનું આ યાદીમાં જણાવાયુ છે. ઉલ્લેખનીય છેકે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખાડીમાં પાણીનું પ્રમાણ વધતા ડેમ ઓવરફ્લો થયો છે. આ લખાય છે ત્યારે પણ રાજપારડી સહિત પંથકમાં વરસાદ ચાલુછે.અવિરત વરસાદના કારણે ખાડીમાં પુરની સ્થિતિ પણ સર્જાવાની સંભાવના રહેલી છે.ત્યારે ખાડીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત રહેવા જણાવાયુ છે.
ગુલામહુશેન ખત્રી:- રાજપારડી