અંકલેશ્વર ઉંમરવાડા રોડ સ્થિત અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે કોરોના વોરિયર્સના સાંનિધ્યમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દેશની આઝાદીના સર્વોત્તમ પર્વ નિમિત્તે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. જેમાં કોરોનાનાં સમયગાળા દરમ્યાન સર્વોત્તમ સેવા આપનાર કોરોના વોરિયર્સ એવા સમાજના આગેવાન લોકોના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આગેવાનોમાં અંકલેશ્વર ખાતે છેલ્લા લગભગ બે વર્ષના સમયગાળા સુધી ભૂખ્યાને ભોજન લેવાની શરૂઆત કરનાર માંગીલાલ રાવલ, કોરોના વાયરસના સમયમાં જરૂરિયાતમંદ લોકો માટે અનાજ સહીત જરૂરી ઘર વપરાશની ચીજ વસ્તુઓની વહેંચણી કરનાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા જેઓ પોતે કોરોના સંક્રમિત થયા પછી સાજા થઈને પરત ફર્યા એવા જનક શાહ તેમજ અંકલેશ્વરમાં સામાજિક-સાંસ્કૃતિક સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે સક્રિય એવા સંદીપ પટેલ કે જેઓ ભૂખ્યાને ભોજન સેવામાં પણ નીરવ મેમોરીયલ ટ્રસ્ટ અંતર્ગત કાર્યરત છે, તેઓ ઉપરાંત ભરૂચ જિલ્લા વ્હોરા સમાજના પ્રમુખ યુનુસ પટેલ તેમજ ઝુબેર પટેલના હસ્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશીયલ ડિસ્ટન્સિંગ સાથે ઉજવાયેલા સ્વાતંત્ર્ય પર્વમાં અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટનાં પ્રમુખ નાઝુભાઈ ફડવાલા સહિત શાળાના આચાર્ય તેમજ શિક્ષક ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી.
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે કોરોના વોરિયર્સ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ ઉજવાયો.
Advertisement