ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકનાં પીપદરા ગામે એક ખેડૂતના ખેતરમાં લગાડેલ સોલર પેનલ ગાર્ડના સોલર પેનલ તેમજ પેટી તોડીને ઝાટકા મશીન કોઇ તસ્કરો ચોરી ગયા હતા. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ નજીકના પીપદરા ગામે રહેતા રણજિતભાઇ ગુમાનભાઇ વસાવાના મહુડીવગામાં આવેલ ખેતરમાં કેળનું વાવેતર કરેલ છે.ખેતરમાં પાકને ભુંડોથી બચાવવા માટે સોલર પેનલ ગાર્ડના સોલર પેનલ અને ઝાટકા મશીન મુકવામાં આવ્યા હતા.દરમિયાન આ ખેડૂત તા.૧ લી ઓગસ્ટના રોજ સવારે ખેતરે ગયો ત્યારે ત્યાં ઝાટકા મશીન દેખાયુ નહિ.સોલર પેનલને નુકશાન પહોંચાડીને પેટી તોડી નાંખી હતી.અને પેટીમાં રાખેલ ઝાટકા મશીન તસ્કરો ચોરી ગયા હતા.ચોરીના આ બનાવમાં રૂ.૨૨૦૦ ની કિંમતની પેટી તોડી નાંખવા ઉપરાંત રૂ.૧૫,૫૦૦ ની કિંમતનું ઝાટકા મશીન ચોરાતા ખેડૂતને બેવડું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.બાદમાં ખેડૂતે આ અંગે રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાની સીમમાં અવારનવાર ખેતી વિષયક વસ્તુઓની ચોરી તેમજ ભાંગફોડ થવાની ઘટનાઓ બનતી હોઇ ખેડૂતો ચિંતિત બન્યા છે.તાલુકામાં ત્રણ પોલીસ સ્ટેશનો છે.પોલીસ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવે એવી માંગ ઉઠવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.