ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ગઇકાલે ૧૦૮ માં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જ્યારે આજે અત્રેની નીલકંઠ સોસાયટીમાં રહેતા એક ૬૪ વર્ષીય ઇસમનો રેપિડ કીટ દ્વારા કરાયેલો રિપોર્ટ ૭૫ ટકા પોઝિટિવ આવતા આ ઇસમને અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.રાજપારડી આરોગ્ય વિભાગના ડો.છોટુભાઈ વસાવા અને ડો.અશોક જાનીના જણાવ્યા મુજબ રાજપારડી નગરમાં નીલકંઠ સોસાયટીમાં રહેતા મુકેશભાઇ નટવરભાઇ ટેલર નામના ૬૪ વર્ષીય ઇસમ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાં જઇને તા.૨૦ મીએ રાજપારડી આવ્યા હતા.બાદમાં તેમને તકલીફ જેવું જણાતા આજે સવારે અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમનો રેપિડ કીટ દ્વારા ટેસ્ટ કરાતા ૭૫ ટકા પોઝિટિવ આવતા તેમને કોવિડ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.આરોગ્ય વિભાગ દ્વારા આ ઇસમના અન્ય બે સભ્યોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી.ઉપરાંત રાજપારડીની નીલકંઠ સોસાયટીમાં રહેતા અન્ય એક પરિવારનો એક યુવક મહારાષ્ટ્ર અને વડોદરા જઇને આવ્યો હોઇ,તેનું ઘર પણ ક્વોરેન્ટાઇન કર્યુ હતુ.આ લખાય છે ત્યારે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સંબંધિત વિસ્તાર કન્ટેન્ટમેન્ટ જાહેર કરવા બાબતે કવાયત હાથ ધરવામાં આવી છે.રાજપારડીમાં બહાર જઇને આવતા લોકો સંક્રમિત થઇને આવેતો નગરમાં કોરોના વધુ વકરી શકે એવી દહેશતને પગલે આરોગ્ય વિભાગે હવે નગરમાં બહારથી આવતા લોકો તરફ નજર રાખવાનું શરુ કર્યુ હોવાનું જાણવા મળ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.