કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને નિયંત્રણમાં રાખવા જરુરી નિયમોને લગતી ગાઇડલાઇન સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા સહુએ એનું પાલન કરવાનું હોયછે. માર્ચ મહિના દરમિયાન દેશભરમાં કોરોનાના સંક્રમણને ડામવા જનતા કરફ્યુ અને ત્યારબાદ લોકડાઉન અમલમાં લવાયા. ત્યારબાદ ઉદ્યોગોને કોવિડ-૧૯ ની ખાસ ગાઈડલાઈન મુજબ ઉત્પાદન કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી જી.આઇ.ડી.સી ના ૮૦ ઉપરાંત ઔદ્યોગિક એકમોને પણ ગાઈડલાઈન હેઠળ ચાલુ કરવાની છુટ આપવામાં આવી હતી. માર્ચ મહિનાથી અત્યાર સુધી કેટલાક કંપની સંચાલકો દ્વારા ગાઇડલાઇનનુ ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠવા છતાં કોઇ અસરકારક પગલાં ભરવામાં આવ્યા નથી. ગયા રવિવારે ઝઘડિયાના પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી, ઇન્ડસ્ટ્રીઅલ સેફટી અને હેલ્થ વિભાગના અધિકારી તથા ઝઘડિયાના પોલીસ અધિકારી દ્વારા ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કંપનીઓમાં કોવિડ-૧૯ ની ગાઈડલાઈનની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. ત્યારે મળતી વિગતો અનુસાર કોવિડ-૧૯ ની ગાઈડલાઈનના અમલ બાબતે અધિકારીઓએ આકસ્મિક તપાસણી કરતા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જણાતા ઝઘડિયાની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, નાઇટ્રેક્ષ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તથા એગ્રો ફૂડ્સ લિમિટેડ નામની ૩ કંપનીઓને કારણ દર્શક નોટિસ પાઠવી તેમની પાસે લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. કેટલીક કંપનીઓ દ્વારા ઝઘડીયા, વાલીયા ,અંકલેશ્વર, ભરૂચ ખાતે તેમના એમ્પ્લોયને લાવવા લઈ જવા માટે વપરાતા પેસેન્જર વાહનોમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ તેમજ કંપનીઓ બહાર કામદારોના ટોળેટોળા ઊભા રહેવા તથા કંપનીના પ્લાન્ટમાં પણ એકસાથે સેંકડો કામદારો દ્વારા કામ કરવું જેવા અનેક નિયમોનો ભંગ ઝઘડિયા જી.આઇ.ડી.સી ની કેટલાક કંપની સંચાલકો દ્વારા કરવામાં આવતો હોવાની ચર્ચાઓ ઉઠી હતી.
ગુલામહુશેન ખત્રી :- રાજપારડી