પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ આજે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની મુલાકાત લઈ તેમના ખબર-અંતર પૂછી કોરોના સામેની લડાઈમાં તેમનો ઉત્સાહ વધાર્યો હતો. કલેક્ટરશ્રીએ કોરોના સામેની લડતમાં સામેલ મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર સહિતના તબીબોની સાથે રહી હોસ્પિટલમાં કોરાના સંક્રમિત દર્દીઓ માટે ઉપલબ્ધ સારવાર, બેડ સહિતની સુવિધાઓનું નિરીક્ષણ અને સમીક્ષા કરતા સારવાર હેઠળ રહેલા દર્દીઓની સાથે વાતચીત કરી ઉપલબ્ધ સારવાર અંગે પ્રતિભાવો પણ મેળવ્યા હતા.
શ્રી અરોરાએ કોરોના પોઝિટિવ દર્દીઓના વોર્ડ સહિત મોડરેટ લક્ષણો ધરાવતા દર્દીઓ માટેના વોર્ડ, આઈસોલેશન વોર્ડની પણ મુલાકાત લઈ વોર્ડ, ટોઈલેટ-બાથરૂમની સફાઈ, અપાતા ભોજન-ડાયેટ અંગે માહિતી મેળવી તે અંગે દર્દીઓ સાથે વાત કરી હતી. શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓનો ઓક્સિજન આપવામાં સરળતા રહે તે માટે તમામ ૧૦૦ બેડ સુધી સીધો ઓક્સિજન પહોંચાડી શકાય તે માટે સેન્ટ્રલ ઓક્સિજન લાઈનનું આયોજન કરવાની સૂચના આપી હતી. દર્દીઓ પ્રફુલ્લિત રહે તે માટે ટી.વી. પર હકારાત્મક આનંદદાયક કાર્યક્રમો નિહાળવાની વ્યવસ્થા કરવા પણ તેમણે નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત, દર્દીઓના કપડા-બેડશીટ્સ વિશે, તેમને નિયમિત રીતે આયુષ મંત્રાલય દ્વારા સૂચવાયેલ ઉકાળા-હોમિયોપેથિક દવાઓ અપાય છે કે કેમ, દર્દીઓ તેમના નિયત બેડ પર છે કે કેમ, પીવાના પાણી સહિતની સુવિધાઓનું જાતનિરીક્ષણ શ્રી અરોરાએ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલની સ્થિતિએ ગોધરા સિવિલ ખાતે ૯ દર્દીઓ કન્ફર્મ્ડ વોર્ડમાં અને ૦૭ દર્દીઓ આઈસોલેશન વોર્ડમાં દાખલ છે. કોવિડ-૧૯ વોર્ડની મુલાકાત લેતા અગાઉ કલેક્ટરશ્રીએ સીડીએમઓશ્રી મહેશ પીસાગર અને કોરોના કામગીરીમાં સામેલ તબીબી અધિકારીઓની સાથે એક બેઠક કરી સિવિલમાં થઈ રહેલી કામગીરી અને સ્થિતિ અંગે ચર્ચા-સમીક્ષા કરી હતી. નવા આવી રહેલ કેસોનો ટ્રેન્ડ જોતા તે અનુસાર હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓનો વિસ્તાર કરવા અંગે તેમણે સૂચના આપી હતી. કેસો વધવાની સ્થિતિ સામે હાલથી પૂર્વઆયોજન કરી તૈયાર રહેવા અને હોમ આઈસોલેશન, ડેડબોડી ડિસ્પોઝલ, પેશન્ટ ટ્રાન્સફર પ્રોટોકોલના ચુસ્ત પાલન માટે સમિતીઓની રચના કરી કાર્યરત કરવા સૂચના આપી હતી. આ પ્રસંગે, ડો. મોના પંડ્યા, ડો. પીનલ ગાંધી, ડો. પૂર્વી દેસાઈ, હેડ નર્સ રેહાના દિવાન સહિતના કોરોના વોરિયર્સ તબીબી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લામાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ વોર્ડની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા
Advertisement