ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી વેલિયન્ટ ઓર્ગેનિક નામની કંપનીમાં તસ્કરો એક લાખ રૂપિયા ઉપરાંતનું મટીરીયલ ચોરી જતા ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ વેલીયન્ટ ઓર્ગેનિક કંપની ઓર્ગેનિક કેમિકલનું ઉત્પાદન કરે છે. કંપનીના નવા પ્લાન્ટનું કામ ચાલતું હોવાથી કંપની દ્વારા એસએસના પાઇપ, વાલ્વ, રિડયુસર જેવા સાધનોની ખરીદી કરવામાં આવી હતી. જે સાધનો કંપનીના હાઈડ્રોજન પ્લાન્ટમાં મુકેલા હતા. તા.૧૫.૭.૨૦ ના રોજ કંપનીના મિકેનિકલ એન્જિનિયર અંકુર પરમારે હાઈડ્રોજન પ્લાન્ટમાં રાખેલ એસએસનું મટીરીયલ ચોરી થયાનું ઉપરી અધિકારી દિલીપ નાયકને જણાવ્યું હતું. જેથી કંપનીના મેનેજર પ્રવીણભાઈએ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. જેમાં અલગ-અલગ સાઈઝનાં ૪ નંગ વાલ્વ, એસએસ સ્ટડ એન્ડ ૩ નંગ, અલગ-અલગ સાઈઝના એસએસ પાઇપ ૪ નંગ તેમજ એક નંગ રીડયુસરની ચોરી થઇ હોવાનું જણાયેલ હતુ. ચોરી થયેલ સામાનની અંદાજિત કિંમત ૧,૧૧,૩૩૭ જેટલી થઇ હતી જેથી કંપની દ્વારા ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.