ભરૂચ ખાતેના ગુજરાત ઓટો રિક્ષા સંગઠનના પ્રમુખ અને જય ભારત ઓટોરિક્ષા આસોશિએશનનાં પ્રમુખ સૈયદ અબ્બાસ રોશનનાં જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાય મહિનાઓથી રાજ્યમાં લોકડાઉન ચાલી રહેલ છે, અને હાલમાં પણ ચાલુ છે, પરંતુ રાજ્ય સરકારે રિક્ષાચાલકોને કોઈ આર્થિક મદદ કરી નથી, ત્યારે હાલ રિક્ષાચાલકોની આર્થિક સ્થિતિ કથળી છે. રાજ્ય સરકાર મદદ કરવાને બદલે ઍપ્રોન પહેરવાનો કાયદો લાવી રિક્ષાચાલકોને ગેરમાર્ગે દોરી રહી છે. પહેલા રિક્ષાચાલકોને સહાયતા તો કરો, તેની આર્થિક હાલત તો સુધારો ત્યારબાદ આવા નિર્ણયો કરો? સરકારે રાજ્યના તમામ જિલ્લાનાં ઓટોરિક્ષા આસોશિએશનનાં આગેવાનો સાથે બેઠક અને આ બાબતે વિચારણા કરવી જોઈતી હતી અને ત્યારબાદ આ નિર્ણય કરવો જોઈતો હતો. પરંતુ સરકારે કોઈની સાથે ચર્ચા-વિચારણા કે વિશ્વાસમાં લીધા વગર આ નિયમ ઠોકી બેસાડ્યો છે. તો બીજી તરફ, વાદળી ઍપ્રોન પહેરવા થયેલા પરિપત્રમાં સરકાર વિવિધ ઓટોરિક્ષા ડ્રાઈવર્સ એસોસિએશન સાથે વાત કર્યા બાદ નિર્ણય લેવાયા અંગેનો ઉલ્લેખ કરાયો છે. કદાચ કેટલાક આગેવાનો સાથે વાતચીત થઈ હોય શકે ? અને બોલાવ્યા પણ હોઈ શકે ? જે ભરૂચ કે બીજા જિલ્લાના ઓટોરિક્ષા આસોશિએશનનાં પ્રમુખોને જાણમાં પણ નથી.ભરૂચનાં જય ભારત ઓટોરિક્ષા આસોશિએશનનાં પ્રમુખ સૈયદ અબ્બાસ રોશનને આ નિર્ણય બાબતે સરકારે કોઈ પણ પ્રકારની માહિતી કે રૂબરૂ વાતચીત માટે બોલાવ્યા નથી અને કોઈપણ જાણકારી આપવામાં આવી નથી. ત્યારે ભરૂચનાં જય ભારત ઓટોરિક્ષા આસોશિએશનના પ્રમુખ સૈયદ અબ્બાસ રોશને જણાવ્યુ હતું કે, જો આ નિર્ણય પાછો ખેચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અને હાલના સંજોગો જોતાં સોશિયલ ડિસટન્સને ધ્યાનમાં રાખીને સરકારનાં આ નિર્ણયનાં વિરોધમાં કાર્યક્રમો અને આંદોલનો પણ કરવામાં આવશે.
ગુજરાત સરકારે રાજ્યનાં રિક્ષા ચાલકોને ફરજિયાત યુનિફોર્મ પહેરવાના નિર્ણયને ભરૂચનાં જય ભારત ઓટોરિક્ષા આસોશિએશનનાં પ્રમુખે વખોડી કાઢયો.
Advertisement