કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને લઇ તમામ રોજગાર ધંધા પર તેની અસર થઈ છે કોરોનાનાં ભય વચ્ચે વેપારીઓને ગ્રાહક નથી મળી રહ્યા તો ઉદ્યોગોમાં કામદારોની અછત છે. છેલ્લા ૨ મહિનામાં લોકડાઉનને લઇ રોજગાર ધંધા સંપૂર્ણ બંધ હતા. જોકે એક મહિનાથી અનલોક શરૂ થયું હોવા છતાં વેપારીઓને ફક્ત ખર્ચો નિકળે એટલી જ ગ્રાહકી થાય છે. આવી પરિસ્થિતિમાં અંકલેશ્વરની લાયન્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનાં એક કરોડ 20 લાખ રૂપિયા એક સત્રની ટ્યુશન સિવાય અન્ય સ્કૂલ ફી માફ કરી વાલી જગત માટે રાહત કરી હતી. જોકે અંકલેશ્વરની વધુ એક સ્કૂલ જગત માટે રાહતરૂપ સમાચાર લાવી છે. અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ ક્રિશિકા ટ્રસ્ટ સંચાલિત આદર્શ અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ત્રણ મહિનાની ફી માફ કરી આપી છે. નર્સરીથી લઇ ધોરણ-8 સુધી અભ્યાસ કરતા ૮૯૪ વિદ્યાર્થીની ત્રણ મહિનાની સ્કૂલ ફી રૂપિયા ૧૬ લાખ દસ હજાર માફ કરી શિક્ષણ વેપાર નહીં પરંતુ સેવાનું કાર્ય છે તે સાબિત કરી બતાવ્યું છે. વધુમાં ટ્રસ્ટી ગણ મીડિયાને માહિતી આપતા ઉમેરે છે કે શાળામાં એડમિશન (પ્રવેશ) મેળવનાર વિદ્યાર્થીને પણ ત્રણ મહિનાની ફી માફ કરી આપવાની જાહેરાત કરી હતી. તેમજ કોરોના વાયરસને લઈને ચાલી રહેલ ઓનલાઇન ક્લાસીસની સેવા પણ નિ:શુલ્ક આપવામાં આવશે. ટ્રસ્ટીગણ વધુ માહિતી આપતા જણાવે છે કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનાં માતા-પિતા મૃત્યુ પામ્યા હોય તો તેનો તમામ અભ્યાસ ખર્ચ પણ ટ્રસ્ટી ગણ ઉઠાવશે. ટ્રસ્ટીગણનાં જણાવ્યા મુજબ અમારો ઉદ્દેશ વિદ્યાર્થી અભ્યાસ કરી સારી કારકિર્દી બનાવી પોતે સક્ષમ થાય તે જ છે. જોકે શાળા દ્વારા ત્રણ મહિનાની ફી માફી મુદ્દે જાહેરાત કરવામાં આવતાં શાળાના ટ્રસ્ટીના પૂર્વ વિદ્યાર્થી તોફાની બિંદ તેમજ કામદાર સમાજનાં અગ્રણી રજનીશ સિંઘ દ્વારા શાળાના ટ્રસ્ટીને ફુલહાર પહેરાવી તેમના આ કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સન્માનિત કરી ટ્રસ્ટીગણનો ઉત્સાહ વધાર્યો હતો.
અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ આદર્શ અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા કોરોનાની મહામારી વચ્ચે 800 કરતાં વધુ વિદ્યાર્થીનાં 16 લાખ કરતાં વધુ રૂપિયા માફ કરી શિક્ષણ સેવા છે વેપાર નહીં તે સાબિત કરી બતાવ્યું છે.
Advertisement