ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકામાં રહેતો એક પરિવાર ખેતી કરી ગુજરાન ચલાવે છે. આ પરિવારમાં સંતાનોમાં એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે, જે પૈકી એક પુત્રીની ઉંમર ૧૬ વર્ષ ૧૧ માસની છે. આ ૧૬ વર્ષીય પુત્રી ગામમાં ખેત મજૂરી કરે છે. તેની સાથે અન્ય ગામની મહિલાઓ તથા પુરુષો પણ ખેત મજૂરીએ જાય છે. ગત તારીખ ૩.૭.૨૦ ના રોજ આ છોકરી ખેતરેથી ઘરે બપોરે જમવા આવી હતી તે દરમિયાન તે ઘરના વાડાનાં ભાગે હાથ મોં ધોવા માટે ગઈ હતી. થોડો સમય વીતી ગયા બાદ પણ તે ઘરમાં પરત નહીં આવતાં તેની માતા વાડાના ભાગે જોવા ગયેલ. પરંતુ તેમની પુત્રી ત્યાં હતી નહી, જેથી તેમના પરિવારજનોએ તેમની શોધખોળ આદરી હતી. શોધખોળ દરમિયાન તેમના ફળિયામાં રહેતી એક મહિલાએ જણાવેલ કે તે રોડ તરફથી આવતી હતી ત્યારે તેમની પુત્રીને ગામમાં રહેતો રાહુલ કાઠીયાવાડી રહે. રાહતળાવ તાલુકો ધોલેરા જીલ્લો અમદાવાદનાઓ તેમની મોટરસાઈકલ પર બેસાડીને લઇ જતા જોયા હતા, જેથી તેના પરિવારજનોએ તે ઇસમ જેને ત્યાં રહેતો હતો ત્યાં જઇને પૂછપરછ કરી હતી. ત્યારે જાણવા મળેલ કે લોકડાઉનનાં સમય દરમિયાન રાહુલ કાઠીયાવાડી નામનો આ ઇસમ ગામમાં રહેતો હતો તે દરમિયાન તે સગીરાનાં સંપર્કમાં આવ્યો હતો. સગીરા તેમના ગામમાં રહેતી અન્ય મહિલાઓ તથા રાહુલ કાઠીયાવાડી સાથે મજુરી કામે જતી હતી. તે દરમિયાન બંનેની આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હશે, જેથી રાહુલ કાઠીયાવાડીએ સગીરાને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી લગ્ન કરવાના ઈરાદે ગામની અન્ય મહિલાઓનો સાથ લઇ ભગાડી ગયેલ હોવાનું જણાતા સગીરાને પિતાએ સગીરાને ભગાડી જનાર અને તેને સાથ આપનાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.