પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૦૩ નવા પોઝિટિવ કેસો મળી આવતા સાથે કોરોના પોઝિટીવ દર્દીઓની કુલ સંખ્યા હાલની સ્થિતિએ ૨૩૫ થવા પામી છે. ૧-૧ કેસ કાલોલ અને ગોધરાના શહેરી વિસ્તારમાંથી અને ૧ કેસ હાલોલના ગ્રામીણ વિસ્તારમાંથી મળી આવ્યો છે. સારવાર બાદ સાજા થતા આજે વધુ ૨ દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જિલ્લાના કુલ ૧૬૧ વ્યક્તિઓ કોરોના સંક્રમણ મુક્ત બન્યા છે. જ્યારે ૧૮ વ્યક્તિઓનું સારવાર દરમિયાન અવસાન થયું છે. જિલ્લામાં કોરોનાના કુલ ૫૫ કેસો એક્ટીવ છે. જેમની સારવાર ચાલી રહી છે. જિલ્લાના શહેરી વિસ્તારોમાં ૧૯૮ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાં ૩૭ કેસો નોંધાયા છે. નવા મળી આવેલ કેસોની વિગત જોઈએ કાલોલના ભાગ્યોદય સોસાયટીના ૫૩ વર્ષીય પુરૂષ અને ગોધરા નગરપાલિકાના સમોલની વાડીના ૬૩ વર્ષીય વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ મળ્યો છે. તો હાલોલના રામેશરાના ૩૭ વર્ષીય પુરૂષ પણ કોરોના સંક્રમિત થયા છે. જિલ્લામાં કોરોના સંક્રમણ સામે બચાવ પ્રક્રિયાના ભાગરૂપે અત્યાર સુધી કુલ ૧૪,૦૩૨ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી ૧૨,૫૨૬ લોકોએ પોતાનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કર્યો છે, જ્યારે બાકીના ૧૫૦૬ લોકો હજી પણ ક્વોરેન્ટાઈન હેઠળ છે. જિલ્લામાંથી તપાસ અર્થે કુલ ૬૮૬૪ સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી ૨૩૫ સેમ્પલ પોઝિટીવ, ૬૨૧૩ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૦૬ સેમ્પલ રીપોર્ટ સેમ્પલ હતા. ૬ દર્દીઓ કોવિડ-૧૯ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસો મળી આવવાના પગલે અત્યાર સુધી કુલ ૧૩૦ વિસ્તારોને ક્લસ્ટર કન્ટેઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫૦ ક્લસ્ટરમાં છેલ્લા ૨૮ દિવસોમાં કોઈ પોઝિટીવ કેસ ન મળી આવતા તેમને નિયંત્રણમુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ૭૦ વિસ્તારો હજી પણ ક્લસ્ટર ક્વોરેન્ટાઈન છે.
પંચમહાલ રાજુ સોલંકી