વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોવિડ-૧૯ સામે શરીરની રોગ પ્રતિકારકશક્તિ જ સૌથી અસરકારક પરીબળ પુરવાર થઈ રહી છે અને આ રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવા ખોરાક લેવા પર આરોગ્યતજજ્ઞો ભાર મૂકી રહ્યા છે. ત્યારે શરીરની રોગ પ્રતિકારકશક્તિ વધારવા આવશ્યક એવી પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે ઓડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલી આ કોન્ફરન્સમાં જિલ્લાના નોડલ ઓફિસર શ્રી બી.યુ.પરમાર, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એ.આઈ. પઠાણ અને ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એન.એમ. પટેલ દ્વારા જિલ્લાના કુલ ૧૨૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ સાથે ગુજરાત સરકાર દ્વારા સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા દરેક ખેડૂત કુટુમ્બને એક દેશી ગાયના નિભાવ પેટે પ્રતિ માસ રૂ. ૯૦૦/- એટલે કે વાર્ષિક રૂ.૧૦,૮૦૦/-ની રકમ સરકાર દ્વારા મળવાપાત્ર છે તે અંગે તેમજ સરકાર દ્વારા આપવામાં આવનાર પ્રાકૃતિક કૃષિ કીટ (પ્રવાહી જીવામૃત બનાવવા માટે) અંગે જાણકારી આપવામાં આવી હતી. જેનો લાભ પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલ ખેડૂતોને અને જેમનું ૮-અ માં નામ હોય તેવા ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરીને કરી શકશે.
પંચમહાલ રાજુ સોલંકી