પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાનાં ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૬ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતા હુકમ કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટીવ કેસ મળ્યા બાદ ૨૮ દિવસ સુધી કોઈ નવો કેસ સામે ન આવતા હાલોલ નગરપાલિકાના સ્ટેશન રોડ, નગીના પાર્ક, મહંમદી શેરી, સર્વોદય સોસાયટી, કાલોલ નગરપાલિકાના સાધના સોસાયટી અને કાલોલ તાલુકાના કંડાચ ગામના પાઠક ફળિયા કન્ટેઈન્મેન્ટ વિસ્તારોને કલસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેશન રોડ વિસ્તારમાં ૦૬/૦૬/૨૦૨૦ના રોજ, પાઠક ફળિયા અને સાધના સોસાયટીમાં ૦૭/૦૬/૨૦૨૦ના રોજ તેમજ નગીના પાર્ક, મહંમદી શેરી અને સર્વોદય સોસાયટીમાં તા. ૦૮/૦૬/૨૦૨૦ના રોજ કોરોનાનો અંતિમ કેસ મળી આવ્યો હતો. આ સાથે જ આ વિસ્તારોના ૧૧૯ ઘરોના ૩૭૧ વ્યક્તિઓને કલસ્ટર ક્વોરેન્ટાઈનના નિયંત્રણોમાંથી મુક્તિ મળી છે. જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસ મળી આવવાના પરિણામે અત્યાર સુધી કુલ ૧૨૫ વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી અત્યારની સ્થિતિએ કુલ ૫૫ વિસ્તારોને છેલ્લા ૨૮ દિવસોથી કોઈ પોઝિટીવ કેસ ન મળી આવવાના પરિણામે ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. બાકી રહેલા ૭૦ કન્ટેઈન્મેન્ટ વિસ્તારો ક્લસ્ટર ક્વોરેન્ટાઈન છે.
પંચમહાલ રાજુ સોલંકી