વન્ય પ્રાણીને જરૂરી સુરક્ષા ઘેરા વચ્ચે, મુક્ત વાતાવરણમાં રાખી શકાય એવા બે વિશાળ વાડા એટલે કે એન્કલોઝર અને તેની સાથે જરૂરી પિંજરા ધરાવતા આ વિસ્તારના પ્રથમ વાઇલ્ડ એનિમલ કેર સેન્ટર, માખણીયાનો પાવી જેતપુર તાલુકાના ધાનપુર – ડુંગરવાંટ નજીક પ્રારંભ જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ કર્યો હતો. તેમના સાથે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ અને ડી સી એફ નિલેશ પંડ્યા, પ્રાંત અધિકારી શિવાની પણ જોડાયા હતા. જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ જણાવ્યુ કે, છોટાઉદેપુર વન વિસ્તારમાં દીપડા, રીંછ સહિતનાં વન્ય પ્રાણીઓ સારા એવા પ્રમાણમાં છે. આ પ્રકારના વન્ય પ્રાણીઓ પરસ્પર યુદ્ધ કે કુંવા જેવા માળખાઓમાં પડી જવાથી, માનવ સાથેના સંઘર્ષમાં કે અન્ય કોઈ રીતે ઘવાય કે માંદા પડે તો એમને સુરક્ષિત રીતે રાખીને સારવાર કરી શકાય અને સાજા થાય ત્યારે પાછા વનમાં છોડી શકાય એ માટે વાઇલ્ડ એનિમલ કેર સેન્ટરની જરૂર વર્તાતી હતી. તેમણે ઉમેર્યુ કે, આ સેન્ટરમાં ૩૦ બાય ૩૦ મીટરનાં બે વિશાળ એનકલોઝરમાં ઘાયલ વન્ય પ્રાણીને રાખીને જરૂરી સારવાર આપવાની સુવિધા રાખવામાં આવી છે. ભવિષ્યમાં આ વાડાઓની સંખ્યા વધારીને સાતથી આઠ જેટલી કરી શકાશે અને ૮ થી ૧૦ જેટલા વન્ય પશુઓને સારવાર માટે રાખી શકાશે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારનાં વાડામાં રાખી સારવારની જરૂર હોય એવા ઘાયલ વન્ય પ્રાણીઓને પાવાગઢનાં સેન્ટરમાં લઈ જવા પડતા હતાં. આ સેન્ટર શરૂ થતાં હવે ઘર આંગણે સુવિધા મળી રહેશે. ખાસ વાત છે કે, ઘાયલ પ્રાણીને રાખી યોગ્ય સારવારથી સાજા કરવા માટેનું આ સેન્ટર પબ્લિક ડિસ્પ્લે માટે નથી. અહીં ઘાયલ હરણ હોય કે જંગલી ભૂંડ,દીપડો કે રીંછ,તેમને ૧૦ કે ૧૫ દિવસ કે મહિના,બે મહિના સુધી સારવાર માટે રાખીને સાજા કરી ફરીથી જંગલમાં છોડી શકાશે. જો ઘાયલ પ્રાણી માનવભક્ષી બની ગયું હોય તો તેને સાજા થયાં પછી જંગલમાં ન છોડી શકાય. યોગ્ય પરવાનગી મેળવીને આવા પ્રાણીને દેશનાં કોઈ પ્રાણી સંગ્રહાલયમાં રાખવું પડે. આ સેન્ટરથી છોટાઉદેપુર વિસ્તારનાં જંગલોમાં વસતા વન્ય પ્રાણીઓની સારી કાળજી લેવામાં મદદ મળશે.
રીપોર્ટર, તૌફીક શેખ છોટા ઉદેપૂર
છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુજલ મયાત્રા દ્વારા વન વિસ્તારનાં ધાનપુર – ડુંગરવાંટ પ્રથમ વાઇલ્ડ એનિમલ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
Advertisement