છોટાઉદેપુર જિલ્લાનાં ૧,૧૮૨ આંગણવાડી કેન્દ્રનાં ૪૦,૫૪૪ લાભાર્થીઓને દર ગુરૂવારે સુખડી વિતરણ તેમજ બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તેની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. હાલ નોવેલ કોરોના વાયરસ કોવિડ –૧૯ સામે સાવચેતીનાં પગલા રૂપે રાજય સરકારે તમામ આંગણવાડીનાં બાળકોને આંગણવાડીએ બોલાવવાનું મોકૂફ રાખવા સૂચના આપી છે. આંગણવાડી કેન્દ્રોનાં ૩ થી ૬ વર્ષનાં બાળકોને ગરમ નાસ્તાની અવેજીમાં આપવામાં આવતા બાલશકિત ટેક હોમ રાશનનાં બદલે આંગણવાડી કેન્દ્રમાં ઉપલબ્ધ અનાજ અને તેલનાં જથ્થાનો ઉપયોગ કરીને આંગણવાડી કાર્યકર / તેડાગર દ્વારા સુખડી સહિતની પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવે છે. સુખડી બનાવીને આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલ ૩ થી ૬ વર્ષનાં બાળકોના ઘરે – ઘરે જઈને તેમને સુખડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખૂબ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવી સુખડી ઘરે મળી રહેતા બાળકોમાં આંનદોત્સવ છવાયો છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા અઠવાડિયે એકવાર, દર ગુરુવારે ૧ કિ.ગ્રા પોષણક્ષમ સુખડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેનો લાભ જિલ્લાનાં ૪૦,૫૪૪ લાભાર્થીઓને મળી રહ્યો છે. પોષણક્ષમ આહારની સાથે સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણથી બાળકો વંચિત ન રહે તે માટે કોવિડ – ૧૯ ની માહીમારીમાં વાલીઓને પણ ઉંબરે આંગણવાડી એપિસોડ દ્વારા દર સોમવારે અને મંગળવારે ટી.વી.ના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ ૧ પર અને મોબાઇલનાં માધ્યમથી જીઓ એપ મારફતે વંદે ગુજરાત ચેનલ -૧ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની જરૂરીયાત પૂરી પાડવામાં આવે છે અને આઈ.સી.ડી.એસના માધ્યમથી, વાલીઓનાં વ્હોટ્સએપ ગૃપ બનાવી એપિસોડનાં જીવંત પ્રસારણની વિગતો આપી તે નિહાળવા માટે જાણ કરવામાં આવે છે. જેના કારણે લાભાર્થીઓને આઈ.સી.ડી.એસ સેવાઓનો તમામ લાભ મળી રહે તેવા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
તૌફીક શેખ છોટા ઉદેપૂર