ભરૂચ જીલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નગરમાં ગઇકાલે ખાનગી દવાખાનાનાં તબીબ કોરોનાગ્રસ્ત જાહેર થતા તબીબના દવાખાના તેમજ રહેણાંક વિસ્તાર સીલ કરવામાં આવ્યો છે અને રાજપારડી પંચાયત દ્વારા સીલ કરાયેલ તમામ વિસ્તારમાં દવાઓનો છંટકાવ કરી સેનેટાઇઝ કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. બીજી તરફ રાજપારડી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના ગ્રસ્ત તબીબ તેમજ દવાખાનામાં કામકાજ કરતા સ્ટાફનાં માણસોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજપારડીનાં સૈલેશ દોશી નામના એક તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એકશનમાં આવી ગયુ હતુ. કોરોનાગ્રસ્ત તબીબનાં દવાખાના તેમજ રહેણાંક વિસ્તારની આજુબાજુનાં વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરીને આ વિસ્તારને વાંસ અને પતરા મારીને સીલ કરી દેવાયો હતો. જ્યાં આ તબીબનું દવાખાનું છે તે વિસ્તાર નગરનું જુનું અને મુખ્ય બજાર છે.નગરનું મુખ્ય બજાર જ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ફેરવાયુ હતુ. દરમિયાન આરોગ્ય વિભાગ અને પંચાયત દ્વારા સેનેટાઈઝર અને સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજપારડી નગરમાં આજુબાજુનાં ગામોની જનતા ખરીદી કરવા આવતી હોય છે. નગર કોરોના ગ્રસ્ત થતાં આસપાસના ગામોમાં કોરોનાનો ડર ફેલાતા આજે નગરમાં બહારથી આવતા ગ્રામજનોની હાજરી નહિવત જણાતી હતી. નગરના તબીબ કોરોનાગ્રસ્ત થતાં તેમના સંપર્કમાં આવેલ અન્ય વ્યક્તિઓ સંક્રમિત થઇ હોવાની દહેશત જણાય છે.તેથી તંત્ર દ્વારા આ બાબતે કન્ટેન્મેન્ટ વિસ્તાર સહિત નગરના અન્ય વિસ્તારોમાં સઘન સર્વે હાથ ધર્યુ હતુ. જોકે આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ડર ફેલાયલો જોવા મળ્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.