કરજણ ખાતે કોંગ્રેસ સમિતિની મિટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કરજણ તાલુકા કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. આગામી કરજણ વિધાનસભાની પેટાચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ કરજણ તાલુકા કોંગ્રેસનાં માળખાને મજબૂત બનાવવા માટે ગતરોજ સાંજે કરજણ ખાતે એક મિટિંગનું આયોજન કરાયું હતું. મિટિંગનાં પ્રારંભે ભારત – ચીન વચ્ચે સર્જાયેલા તણાવને પગલે થયેલી અથડામણમાં શહીદ થયેલા ભારતીય લશ્કરનાં જવાનોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પિત કરાઇ હતી. ત્યારબાદ તાલુકાનાં કોંગી આગેવાનોએ પોતાના પ્રાસંગિક પ્રવચનોમાં હાજર જનોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ વડોદરા જિલ્લા સંયોજકોની નિમણુક કરાઇ હતી. આભારવિધિ સાથે મિટિંગ સંપન્ન થઇ હતી. ત્યારબાદ વડોદરા જિલ્લા સમિતિનાં અધ્યક્ષ સાગર બ્રહ્મભટ્ટે મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી કરજણ વિધાનસભા ચૂંટણી, જિલ્લા પંચાયત ચૂંટણી તેમજ જિલ્લા કક્ષાએ કોંગ્રેસનું માળખું મજબૂત બને એ માટે મિટિંગ આયોજિત કરાઇ હતી. અક્ષય પટેલનાં રાજીનામાથી કોંગ્રેસને ફેર પડવાનો નથી કરજણ તાલુકો કોંગ્રેસનો ગઢ હતો અને રહેશે એમ તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. આયોજિત મિટિંગમાં વડોદરા જિલ્લા સમિતિના પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ, ગુણવંત પરમાર, પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ ડાભી, જિ.પંચાયત ઉપાધ્યક્ષ મુબારક પટેલ,જિલ્લા આરોગ્ય સમિતિના ચેર પર્સન નીલાબેન ઉપાધ્યાય, કિરીટસિંહ જાડેજા, ચંદ્રકાંત પટેલ, ઉપસ્થિત રહ્યા હતા.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ