ભરુચ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે.જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનાં કેસ દિવસે દિવસે વધી રહ્યા છે.ત્યારે આજે ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નગરમાં એક ખાનગી તબીબનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ બની ગયુ હતું.પ્રાપ્ત વિગતો મુજબ રાજપારડી નગરના ખાનગી દવાખાનુ ધરાવતા ડોક્ટર શૈલેષ દોસીને કોરોના વાયરસનુ સંક્રમણ થતાં નગરમાં કોરોના વાયરસે દસ્તક આપી છે.રાજપારડી નગર અત્યાર સુધી કોરોના વાયરસથી મુકત હતુ.ત્યારે હાલમાં સ્થાનિક ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.આ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ રાજપારડી નગરના મુખ્ય બજારમાં ખાનગી દવાખાનું ચલાવતા ડો. શૈલેષ દોસીને થોડા દિવસો પહેલા તાવ તેમજ અન્ય તકલીફ જણાતા ભરૂચ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા.બાદમાં ખાનગી લેબોરેટરીમાં તપાસ કરાવતા ટાઇફોઇડ જેવા લક્ષણો સાથે કોરોના વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જણાયુ હતુ. થોડા દિવસો પુર્વે તાવ જેવા લક્ષણો જણાતા ડોકટરે સ્વયં જાગૃતતા દાખવીને ભરુચ ચેકઅપ કરાવવા ગયા હતા.બાદમાં ડોકટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ તબીબ વડોદરા ખાતે સારવાર લેવા દાખલ થયા હતા.તબીબ શારિરીક રીતે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ રાજપારડી ગામમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ આવતા વહિવટી તંત્ર પણ એલર્ટ થઇ ગયુ હતું. રાજપારડી નગરમાં ડોકટરનો કોરોના પોઝિટિવ કેસ આવતા ડોક્ટરના પરિવારજનોને ક્વોરેન્ટાઇન કરવા આરોગ્ય વિભાગે કવાયત હાથધરી છે.નગરમાં આવેલા કોરોના વાયરસના કેસ બાબતે આરોગ્ય વિભાગ પાસે વિગતો મેળવવાના પ્રયાસો કરતા સંબંધિત આરોગ્ય કર્મીઓ દ્વારા જરુરના સમયે યોગ્ય માહિતી મળી શકી ન હતી.કોરોના પોઝિટિવ કેસ સંબંધિત વિગતો મિડીયાને તરત પહોંચાડવી જોઇએ ત્યારે સંબંધિત આરોગ્ય વિભાગની ખામોશીથી તર્ક વિતર્ક જણાયા હતા.દરમિયાન કોરોના પોઝિટિવ કેસને પગલે તંત્ર દ્વારા રાજપારડી બજાર બંધ કરાવી દેવાયુ હતું.આ ડોકટર કોના દ્વારા કોરોના વાયરસથી સંક્રમિત થયા હશે તે બાબત હવે તપાસ માંગી લેતી બાબત બની છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.