ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પડવાણીયા ગામની મારામારીના આરોપીને કોરોના પોઝિટિવ આવતા ઝઘડિયા તાલુકાની જનતામાં કોરોનાનો ડર વધી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગતરોજ નરેન્દ્ર જેઠાભાઇ વસાવા નામનો ઇસમ જે આરોપી તરીકે હતો તે ઝઘડિયા પોલીસ મથકમાં મારામારીની ઘટનામાં જામીન આપવા માટે આવ્યો હતો. જ્યાં તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.કોરોના ટેસ્ટ કરાયેલા નવ ઈસમો ના કોરોના ટેસ્ટમાં નરેન્દ્ર જેઠાભાઇ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આને પગલે તાલુકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના પડવાણીયા ગામે ગત તા.૧૩ જુનના રોજ ગામના બે જૂથ વચ્ચે જૂની અદાવતે ઝઘડો થયો હતો. જેમાં સામસામે થયેલી ફરિયાદમાં ૧૭ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પડવાણીયા ગામના ઝઘડાના આરોપીઓ પૈકી કેટલાક ઇસમો ગતરોજ ઝઘડિયા પોલીસ મથકે જામીનની કાર્યવાહી માટે હાજર થયા હતા. નિયમ મુજબ હાજર થયેલા નવ જેટલા ઈસમોના કોરોના ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા. જે પૈકી નરેન્દ્ર જેઠા ભાઈ વસાવા નામના આશરે ૬૫ વર્ષીય ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયુ હતું. બાદમાં આરોગ્ય વિભાગે પોઝિટિવ આવેલા કોરોના ના દર્દી ને અંકલેશ્વર ખાતેની સ્પેશિયલ કોવિડ જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પડવાણીયા ગામે કોરોના પોઝિટિવ કેસ બહાર આવતા વહીવટી તંત્ર દ્વારા સંબંધિત વિસ્તારને ક્વોરેન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરુચ જિલ્લામાં ઉપરાછાપરી વધી રહેલા કોરોનાના કેશોથી જનતામાં ચિંતા ફેલાવા પામીછે. તેમાં ઝઘડીયા તાલુકો પણ કોરોનાની ઝપટમાં આવતા તાલુકાની જનતામાં ભય ફેલાયો છે. હાલ જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે ઇસમનું નામ મારામારીના કેશમાં હોવાથી તે પોલીસ ઉપરાંત અન્ય કોના કોના સંપર્કમાં આવ્યો હશે તેની તપાસ કરવી હવે જરુરી બની છે. ત્યારે તંત્ર હવે તેના સંપર્કમાં આવેલ કેટલાને ક્વોરેન્ટાઇન કરે છે તે વાત અત્યારેતો તાલુકામાં ચર્ચાતી જોવા મળી રહીછે.
ગુલામહુસેન ખત્રી :- રાજપારડી