ઝઘડીયા તાલુકાના મહત્વના વેપારી મથક ગણાતા રાજપારડી નગરનાં ચાર રસ્તા પરથી અંકલેશ્વર રાજપીપલાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ધોરીમાર્ગ પસાર થાય છે.માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી અધુરી મુકી દેવાતા કામ ક્યારે પુર્ણ થશે એ બાબતે પ્રશ્નાર્થ સર્જાયો છે. તાજેતરમાં પહેલા જ વરસાદે માર્ગ પરના ગાબડાઓમાં પાણી ભરાતા વાહનો ફસાયા હતા આને પગલે તંત્રએ તાબડતોડ રાજપારડી ચાર રસ્તાથી કબ્રસ્તાન સુધી તેમજ ભુંડવા નાળા પાસે મેટલોનાં ઢગલા કરી દીધા હતા અને ” કામ ચાલુ છે ધીમે હંકારો” જેવા લખાણવાળા પાટિયાં પણ મુકી દીધા હતા.
પરંતુ પાંચેક દિવસ જેટલો સમય વિતવા છતાં હજી મેટલોનાં ઢગલા એવાને એવા જ દેખાય છે.એક તરફના રોડ પર મેટલોનાં ઢગલા કરી દેવાતા હવે બંને તરફનાં વાહનોએ એક જ બાજુએથી આવજાવ કરવી પડે છે. તેથી એક તરફનાં વાહનોને રોંગ સાઇડે દોડવું પડે છે.લોકડાઉન હળવું બનાવાતા વાહનોની ચહલપહલ મોટા પ્રમાણમાં દેખાય છે. રોંગ સાઇડે દોડતા વાહનોથી અવારનવાર નાનામોટા અકસ્માતો સર્જાતા હોવાની ચર્ચાઓ પાછલા લાંબા સમયથી ઉઠવા પામી છે. છતાં મેટલોનાં ઢગલા કર્યા બાદ પણ કામગીરીમાં વિલંબ કરતા તંત્રના આળસથી કોઇવાર કોઇ જીવલેણ અકસ્માત સર્જાશે તો તેના માટે કોને જવાબદાર ગણવા? અત્રે નોંધનીય છેકે કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા બધા રસ્તાઓમાં આ માર્ગ મોટું મહત્વ ધરાવે છે.રાજપારડી નગરનાં ચાર રસ્તા વિસ્તારમાં મોટાભાગના વેપાર ધંધાઓ ધબકી રહ્યા છે.નગરનો ચાર રસ્તા વિસ્તાર સવારથી લઇને રાત સુધી માણસોની અવરજવરથી ધબકતો રહે છે.ચાર રસ્તા નજીક જ વાહનોએ રોંગ સાઇડે થઇને જવું પડે છે ત્યારે જીવલેણ અકસ્માતની દહેશત પ્રત્યે આંખ આડા કાન કરી શકાય તેમ નથી. ઉપરાંત રાજપારડીથી આગળ ભુંડવા નાળા નજીક રોડની એક બાજુએ મોટો ખાડો ખોદવામાં આવેલો દેખાય છે.આ ખાડો આ કામગીરી અંતર્ગત ખોદાયો છે કે પછી અન્ય કારણસર? ગમેતે હોય,પણ આ ખાડો અંધારામાં કોઇ સાયકલચાલક કે બાઈકચાલક માટે ગોઝારો સાબિત થઇ શકે તેમ છે. ત્યારે વાહનો ફસાવાની વાતથી એકદમ જાગેલું તંત્ર દિવસોથી મેટલોનાં ઢગલા કરીને ખામોશ થઇ જતા વાહનચાલકોની પરેશાનીમાં વધારો થયો છે.ચાર માર્ગીય માર્ગની કામગીરી હાલ જાણે વિવાદમાં પડી હોય તેવું લાગી રહ્યુ છે, ત્યારે ગાબડા પુરવા નાંખવામાં આવેલા મેટલો ક્યારે ઉપયોગમાં લેવાશે? એ બાબતે પણ હાલ તો સવાલો ઉભા કર્યા છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.