હાલમાં જ 3 જૂનનાં દિવસે દહેજ સેઝ-2 માં આવેલ યશસ્વી રસાયણ પ્રા.લિ. કંપનીમાં અચાનક કેમિકલ ટેંકમાં ભયાનક ધડાકાની સાથે બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે દહેજ નહીં પરંતુ સમગ્ર ભરૂચ જીલ્લાને ધ્રુજાવી નાંખ્યો હતો અને દહેજ ખાતેનાં આજુબાજુ આવેલા ગામો પણ ભયના માર્યા હચમચી ગયા હતા. એટલું જ નહીં પણ આ ગોઝારી દુર્ધટનાને કારણે પ્રસરેલા ધુમાડાનાં ગોટેગોટા છેક ભાવનગર-ધોધા સુધી જોવા મળ્યા હતા. આના પરથી જ આ દુર્ધટનાની ભયાનકતાનો અંદાજ આવી જાય છે. દહેજ સેઝ-2 ખાતે આવેલ યશસ્વી રસાયણમાં બનેલી દુર્ધટના નથી પરંતુ ઔધોગિક કોરિડોર ગણાતા ભરૂચ જીલ્લામાં આવેલ GIDC ની કંપનીઓમાં અનેક દુર્ધટનાઓ બની ચૂકી છે અને ભયાનક મોટા અકસ્માતો આ પૂર્વે પણ થઈ ચૂકયા છે. જેમાં અસંખ્ય કર્મચારીઓ વિવિધ પ્રકારે અપંગ બન્યા છે તથા લાચારીનું જીવન મજબૂર બન્યા છે. અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, અનેક લોકોની જિંદગી આવા અકસ્માતોમાં હણાઈ ગઈ છે. ત્યારે આ દુર્ધટના/અકસ્માતોના જવાબદાર એવાં કંપનીઓનાં માલિકો, સરકાર અને સરકારી બાબુઓની મિલી ભગતથી જીવ ગુમાવનારા અને ઇજાગ્રસ્તનાં પરિવારોને 5,10 કે 15 લાખ જેવી રકમ આપી સમગ્ર દુર્ધટના ઉપર ભીનું સંકેલી દેતા હોય છે અને ફરીવાર નિર્દોષ કામદારોના મૃત્યુનો સિલસિલો ચાલ્યા કરે છે. ખરેખર આ મૃત્યુને ભેટનારા પોતાનો જીવ ગુમાવનારાઓનો જવાબદાર કોણ? હાલમાં જ યશસ્વી રસાયણ પ્રા.લિ. કંપનીમાં બનેલ ભયંકર ગોઝારી દુર્ધટનાએ અનેક પ્રશ્નો ઊભા કરી દીધા છે. વારંવાર થતાં આ વિનાશક અકસ્માતો સામે કંપની માલિકો, અધિકારીઓ કે પછી સરકારને જવાબદાર ગણવા ? હાલની સરકાર ઉદ્યોગપતિઓની સરકાર હોય તેમ સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે, કારણ કે નિર્દોષ કામદારોની સુરક્ષા તથા પર્યાવરણનાં કાયદાઓ બાજુ પર મૂકી દીધા છે જેથી જ આવા અકસ્માતો સર્જાય છે તથા આજુબાજુનાં ગામડાઓની પ્રજા ભોગવે છે. યશસ્વી રસાયણ પ્રા.લિ. કંપનીમાં બનેલી દુર્ધટનાએ પ્રજાની આંખ ઉધાડી નાંખી છે, અને અનેક પ્રશ્નો ઉઠાવી રહી છે. સર્વપ્રથમ તો કંપનીઓનાં માલિકો કર્મચારીઓની સલામતીનાં કોઈ પગલાં લેતા નથી. આ કંપનીઓ બેશુમાર પ્રદૂષણ ફેલાવે છે જેથી પર્યાવરણને નુકસાન થયું છે. સ્થાનિક પ્રજાના સ્વાસ્થ્યની સલામતીની દરકાર સરકાર લેઇ છે ખરી? અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અત્યાર સુધી બેજવાબદાર પૂર્વકનું વર્તન કરી રહી છે. ભરૂચ જીલ્લામાં આવેલ GIDC ની કંપનીઓની આજુબાજુનો વિસ્તાર અને ગામડાઓના રહીશો એક જાતના ભયનાં ઓથાર હેઠળ સતત જીવી રહ્યા છે. આ પ્રકારની દુર્ધટનાઓ સર્જાય ત્યારે આજુબાજુનાં ગામડાઓમાં વસતી પ્રજાનો જીવ હોડમાં મુકાય છે અને આવી ઘટનાઓ બને ત્યારે તાત્કાલિક ગામો ખાલી કરાવે છે આમ અચાનક ગામો ખાલી કરાવતા ગ્રામજનો ભારે વિકટ પરિસ્થિતિમાં મુકાય છે. પ્રજાની સંવેદના સમજીને યશસ્વી રસાયણ પા.લિ. કંપનીમાં બનેલા બનાવ બાબતે તપાસ કરાવે તે જરૂરી છે. ફેકટરી ઈન્સ્પેકટર અથવા ઉદ્યોગને લાગતાં વિભાગનાં અધિકારીઓએ નિરીક્ષણ કર્યું અથવા મુલાકાત લીધી તેમનો શું અહેવાલ છે તે જાણવું જરૂરી બને છે. આ સર્વ બાબતોની તપાસ ચલાવી કસુરવારો સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. સરકાર જો આ મામલે ઉદ્યોગપતિઓ પ્રત્યે મીઠો વયવહાર રાખશે તો આવનારા દિવસોમાં તે પ્રજાનો વિશ્વાસ ગુમાવી દેશે.
ભરૂચ જીલ્લામાં આવેલ GIDC ની કંપનીઓમાં થતાં જીવલેણ અકસ્માતો તેમજ તેના દ્વારા ફેલાવવામાં આવતાં પ્રદૂષણો બાબતે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ કલેકટરશ્રી ને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી.
Advertisement