સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં 6 ગામોમાં તાર-ફેન્સીંગ મામલે સ્થાનિક આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. 30 મી મે ના રોજ ગુજરાત કોંગ્રેસનાં 8 આદિવાસી ધારાસભ્યો અને કોંગ્રેસ સંગઠનનાં આદિવાસી હોદ્દેદારોને 6 ગામના આદિવાસીઓને મળવા મામલે પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો. આ તમામ ધારાસભ્યો અને કોંગ્રેસ સંગઠનનાં હોદ્દેદારોએ રસ્તા પર બેસી પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. આ ઘટનાનો રાજ્યમાં પડઘો પડ્યો હતો. બીજી બાજુ આદિવાસીઓનાં આંદોલનને પગલે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને હાઈ એલર્ટ કરી દેવાયા હતા. આ ઘટના બાદ પણ કોંગ્રેસી ધારાસભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં 6 ગામના આદિવાસીઓને મળી વિરોધ કરવાની ચીમકી આપી હતી. જેને પગલે ગતરોજ 31 મી મે ના રોજ નર્મદા જિલ્લામાં એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ કાફલો ખડકી દેવાયો હતો, જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ દ્વારા આવતા દરેક વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયુ હતું અને નર્મદા પોલીસે સંભવિત વિરોધને પગલે રાજપીપળા નજીકની જીતનગર ચોકડી પરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાને અને ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયાના સ્થાપક ડો. પ્રફુલ્લ વસાવા સહિત યુથ કૉંગ્રેસનાં હોદ્દેદારોને પોલીસે ડિટેઈન કર્યા હતા, તો બીજી બાજુ કેવડિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં આદીવાસી મહિલાઓ રસ્તા પર ઉતરી પડતા મામલો ગરમાયો હતો. આજે કેવડિયા આસપાસનાં છ ગામોનાં સમર્થનમાં કેવડિયાનાં બજારો સજ્જડ બંધ રહ્યા હતા. ત્યારે છ ગામોના આદિવાસીઓને સજ્જડ બંધ રાખી કેવડિયા વાસીઓએ સમર્થન આપ્યું હતું. હાલ કેવડિયા મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં છે ત્યારે આજે પૂર્વ મુખ્યમંત્રી એવા શંકરસિંહ વાઘેલા છ ગામોના આદિવાસીની મુલાકાત લે તેવી પ્રબળ સંભાવનાઓ છે. હાલ એક વાત ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસ અદિવાસીઓનાં સમર્થનમાં ઉતરી છે ત્યારે આજે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જો કેવડિયા આસપાસના લોકોની મુલાકાત લેશે જેથી ગુજરાતનું રાજકારણ લોકડાઉનમાં ગરમાયુ છે તેમ કહી શકાય.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા