ભરૂચમાં કોરોના મહામારી વચ્ચે લોક ડાઉનની સ્થિતિમાં પણ બેફામ બનેલા બુટલેગરોનાં ત્રાસથી હવે પ્રજા પણ કંટાળી હોય તેમ લાગી રહ્યું છે, કાયદાને ખિસ્સામાં મૂકી બિંદાસ દારૂનો વેપલો કરતા તત્વો ઉપર લગામ લગાવવાની માંગ સાથે સી ડિવિઝન પોલીસ મથકે મહીલાઓએ રજુઆત કરી હતી. કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે,પરંતુ આ બંધી જાણે કે ભરૂચ જિલ્લાના બેફામ બનેલા બુટલેગરો માટે ન હોય તેમ રોજબરોજ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઝડપાતા દારૂના જથ્થા અને બિંદાસ અંદાજમાં હપ્તા આપી વેપલો કરતા બુટલેગરો ઉપરથી કહી શકાય તેમ છે, આજ પ્રકારની એક ફરિયાદ લઇ ભરૂચનાં મકતમપુર વિસ્તારની મહિલાઓ આજે સી ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી, મકતમપુર જોગા બાપાના મંદિર પાસે દારૂનો અડ્ડો ચાલતો હોવાની ફરિયાદ સાથે મહિલાઓએ પોલીસ મથકે લેખિતમાં રજુઆત કરી આ અડ્ડા બંધ કરવાની માંગ કરી હતી, મહિલાઓએ આક્ષેપ કર્યા હતા કે આ અડ્ડા ઉપરથી દારૂનું સેવન કરી જતા તત્વો વિસ્તારમાં મહિલાઓને ખરાબ નજરે જોતા હોય છે સાથે જ લડાઈ ઝઘડા કરતા, તેમજ જાહેર દીવાલો પર પેશાબ કરતા પણ નજરે પડે છે જે બાબતોનો ઉલ્લેખ સાથે રજુઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં પોલીસ ખૂબ જ સક્રિય બની વાહનોના ચેકીંગ કરે છે, જેથી રોડ માર્ગે દારૂ લાવવવો મુશ્કેલ બન્યો છે, કહેવાય છે કે એ.બી.સી ડિવિઝનમાં તમામ રસ્તાઓ બ્લોક છે,છતાં દેશી, વિદેશી દારૂ આ ડિવિઝનમાં વેચાય છે, ત્યારે અહીંયા સવાલ એ થાય કે શું પોલીસને પોતાના માહિતગારથી માહિતી નથી મળતી કે દારૂ શહેરમાં ક્યાં માર્ગે પ્રવેશ કરે છે, જેમાં એક જગજાહેર ચર્ચા મુજબ આ દારૂ પાણીનાં રસ્તે બોટ દ્વારા નદી કાંઠે ઠાલવવામાં આવતો હોવાની ચર્ચા પણ ટોક ઓફ ધી ટાઉન છે,મોટા મોટા જથ્થા નદી કાંઠાના વિસ્તારમાં ઠલવાય છે પણ પોલીસ ચોપડે આની કોઈ નોંધ નથી. એક તરફ પોલીસ ડ્રોન ઉડાડીને લોકડાઉનમાં ફરતા લોકોને દંડવા માટે કાર્યરત છે,જો આ ડ્રોનનો ઉપયોગ દારૂ પકડવા કરવામાં આવે તો પુરાવા સાથે પોલીસની પ્રસંશનીય કામગીરી કરી શકે,પરંતુ તેવી સમજ કયા અધિકારી અને ક્યારે દેખાડશે તે જોવું રહ્યું કારણે કે સામાન્ય રીતે પોલીસની કામગીરી ઉચ્ચ અધિકારીઓ માર્ગદર્શન હેઠળ થાય છે તો શું આવા ચર્ચાસ્પદ મામલાઓમાં આ ઉચ્ચ અધિકારીઓનાં હાથ બુટલેગરો સુધી પહોંચવામાં ટૂંકા પડે છે.
ભરૂચ : બુટલેગરો બેફામ બન્યા, પ્રજા બની લાચાર, જાણો વધુ મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જઈ શું રજુઆત કરી..!!
Advertisement