COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૫ મી મે, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૧૩ સેમ્પલ પૈકી ૩ સેમ્પલના રીપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. જેમાં નાંદોદ તાલુકાના મયાશી ગામના પ્રફુલભાઇ.પી.પટેલ ૩૭ વર્ષના પુરૂષ અને અનસૂયાબેન પ્રફુલભાઇ પટેલ ૨૯ વર્ષના મહિલા તેમજ કૃણાલભાઇ પ્રફુલભાઇ પટેલ ૧૦ વર્ષના બાળકના દર્દીનો સમાવેશ થાય છે. આ દર્દીને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે. આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા-૫ છે. તદઉપરાંત આજે ૩૧ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં આજે તા. ૨૫ થી મે, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૬,૩૭૫ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૮૨ દર્દીઓ, તાવના ૨૬ દર્દીઓ અને ડાયેરીયાના ૧૭ દર્દીઓ, ગળાના દુખાવાના ૨ દર્દીઓ સહિત કુલ -૧૨૭ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે.
મોન્ટુ શેખ
રાજપીપલા નર્મદા બ્યુરો