કોરોના સંક્રમણને વધતું અટકાવવા તબક્કાવાર ચાર લોકડાઉનો જાહેર કરાયા. આગળના લોકડાઉનમાં પાન, પડીકી અને તમાકુ જન્ય વસ્તુઓના વેચાણ પર રોક લગાવી દેવામાં આવી હતી. છતાં કેટલાક લાલચુ વેપારીઓ કરિયાણાની આડમાં પાછલા બારણેથી આવી પ્રતિબંધિત વસ્તુઓ ખુબ ઉંચા ભાવે વેચતા હોવાની વ્યાપક લોક ફરિયાદો તે સમયે ઉઠી હતી.પાન પડીકી ઉપરાંત અન્ય તમાકુ જન્ય વસ્તુઓમાં ચુના મિશ્રિત વિવિધ જાતની તમાકુ,છીંકણી,વિવિધ જાતની બીડી તેમજ સિગારેટનો સમાવેશ થાય છે.આગળના લોકડાઉન દરમિયાન સામાન્ય દિવસોમાં વીસ રૂપિયામાં મળતી બીડીની ઝુડી ૫૦ થી ૬૦ રૂપિયામાં તેમજ ૫ રૂ.માં મળતી પાન પડીકી કે તમાકુની પડીકી રૂ.૩૦ થી ૪૦ માં વેચાતી હોવાની બુમો પણ ઉઠી હતી. પાન પડીકી, માવા,તમાકુ અને બીડી સિગારેટના બંધાણીઓની મજબુરીનો ગેરલાભ ઉઠાવીને કેટલાક તકસાધુ શોષણખોર વેપારીઓએ મળેલી તકનો ઉપયોગ કરીને રીતસર લોકોને લુંટવાનું ચાલુ કરી દીધું હતું.આગળના લોકડાઉનોમાં ફક્ત આવશ્યક વસ્તુઓના ધંધા ચાલુ રાખવાની છુટ આપવામાં આવી હતી. ત્યારે તેની આડમાં આવી પ્રતિબંધિત વસ્તુઓના ધુમ કાળા બજાર થયા હતા.હાલમાં ચોથા લોકડાઉનમાં અન્ય ધંધાઓ પણ ચાલુ કરવાની છુટ અપાઇ છે તેમાં પાન પડીકી અને તમાકુ જન્ય વસ્તુઓના વેચાણની પણ છુટ મળી છે.ત્યારે પાન પડીકી અને તમાકુ માવા ખાવાવાળાઓને આશા હતી કે હવે ભાવો રાબેતા મુજબ થઇ જશે.પરંતું એકવાર તગડો નફો લેવા ટેવાઇ ગયેલા આ કાળા બજારીયાઓએ આવી વસ્તુઓના કાળાબજાર ચાલુ રાખતા જાણે માનવતા મરી પરવારી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા.લોકડાઉનમાં લોકોની આવક બંધ થવા પામી હતી તેમાં વધારે ભાવનો વધારાનો બોજ સહન કરવાનું જનતાએ વેઠવાનો વારો આવ્યો હતો. સામાન્ય દિવસોમાં રૂ.૧૨૫ જેવા ભાવે મળતુ એક જાતનું પાન પડીકીનું પેકેટ હજી રૂ.૧૭૦ આસપાસના ભાવે વેચાઇ રહ્યુ છે.જથ્થાબંધ વેપારીઓને માલ સપ્લાય કરતા ડિસ્ટ્રિબ્યુટરે માલ રેગ્યુલર ભાવે વિતરણ કરાતો હોવાની વાત કરી હતી. જ્યારે જથ્થાબંધ વેપારીઓ અલગ વાત કરતા હોવાથી આમાં કોણ સાચુ છે અને કોણ જુઠુ એ પ્રશ્નનો જવાબ કોણ આપશે? તાલુકાનું તેમજ અન્ય સંબંધિત તંત્ર જાણે રીતસર આ કાળાબજારીયા સામે ઘુંટણીએ પડી ગયુ હોય એમ ભેદી મૌન ધારણ કરીને બેઠુ છે. ત્યારે આમા દેખીતી રીતે તંત્રની સાંઠ ગાંઠ હોવાની શંકાઓ ઉભી થવા પામી છે.લોકોની મજબુરીનો ગેરલાભ ઉઠાવતા આવા શોષણખોરો પ્રત્યે તંત્ર તાકીદે જાગૃત બનીને ઘટતા પગલા નહિં ભરે તો ગૃહમંત્રી તેમજ મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યુ છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.