સરકારી વિનયન કોલેજ શહેરા લોકડાઉનનાં સમયગાળા દરમિયાન ઓનલાઈન એજ્યુકેશન સતત સક્રિય રહી છે. વિદ્યાર્થીઓ આ સમયગાળા દરમિયાન શિક્ષણથી વંચિત ન રહી જાય એટલા માટે શહેરાની સરકારી કોલેજના આચાર્યશ્રી અને અધ્યાપકો સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં રહીને યુટ્યુબ, ફેસબુક, વોટસએપ ગ્રુપ વગેરે માધ્યમોથી વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે. છેલ્લા ૨૦ દિવસમાં કોલેજમાં છ જેટલી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાઓ કરવામાં આવી, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. તા.23/5/2020 ના રોજ કોલેજમાં સંસ્કૃત વિભાગના ઉપક્રમે “આત્મનિર્ભરતા અને ભારતીય સંસ્કૃતિ” એ વિષય ઉપર બે કલાકનો વેબીનાર રાખવામાં આવ્યો હતો, આ વેબીનારના અધ્યક્ષ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ હતા. યુનિવર્સિટીના ઈ. સી. મેમ્બરો, વિવિધ કોલેજના આચાર્યો, ગુજરાત ભરમાંથી જુદા જુદા વિષયના અધ્યાપકો, રિસર્ચ સ્કોલરો અને વિદ્યાર્થીઓ કુલ મળીને 908 જેટલી સંખ્યામાં જોડાયા હતા. કોલેજના આચાર્યશ્રી ડૉ. દિનેશ માછીએ વેબિનારમાં જોડાયેલા તમામનું શાબ્દિક સ્વાગત, પરિચય અને પ્રાસંગિક ઉદ્બોધન કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. સેમિનારમાં બીજ વક્તવ્ય ગુજરાત યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવનનાં ડાયરેક્ટર કમલેશભાઈ ચોકસીએ આપ્યું હતું. તેમણે કૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિનો અર્થ સમજાવીને ભારત દેશ સ્વનિર્ભર બને એ માટે સંસ્કૃત સાહિત્ય કઈ રીતે મદદરૂપ બની શકે વગેરે બાબતોની મહાભારતનાં અને અન્ય વ્યાવહારિક ઉદાહરણો આપીને ચર્ચા કરી હતી. ભારતીય સંસ્કૃતિ દવા લેવાની વાત નથી કરતી પરંતુ વ્યાયામ કરવાની વાત કરે છે,આપણે સ્વાસ્થ્યમાં, જ્ઞાનમાં સ્વનિર્ભર બનવું જોઈએ. ચારે બાજુ પરાધીનતાનું વાતાવરણ દેખાઈ રહ્યું છે ત્યારે આપણી પાસે જે છે તેનાથી જીવતા રહેવાની વાત કરી હતી. વેબિનારના મુખ્ય અતિથિ ઉચ્ચશિક્ષણ કમિશનરશ્રીની કચેરીના અધિક કમિશનર સાહેબ શ્રી નારાયણભાઈ માધુએ કહ્યું હતું કે આત્મનિર્ભરતા અર્થશાસ્ત્ર સાથે જોડાયેલી છે.વરાહમિહિર, શુશ્રુત, ચરક વગેરેનાં જ્ઞાન-વિજ્ઞાનને પાછું લાવવાની જરૂર છે. આપણો ઈતિહાસ જોતાં આપણે આત્મનિર્ભર હતા પરંતુ વિદેશી પ્રજાએ આવીને આપણને પરાધીન બનાવી દીધા વગેરે બાબતોની ચર્ચા કરીને માધુ સાહેબે ભારતને સુપર પાવર બનાવવા માટેનું પ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું. અતિથિ વિશેષ તરીકે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના નાયબ નિયામક શ્રી આર. જે.માછી, મનપુર કોલેજના આચાર્ય ડૉ. મહેશભાઈ મહેતા, બાલાસિનોર કોલેજના આચાર્ય ડૉ. ડી.પી. માછી વગેરેએ પણ પ્રાસંગિક વક્તવ્યો આપ્યા હતા. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રતાપસિંહ ચૌહાણ સાહેબે અંતમાં અધ્યક્ષીય ઉદબોધનમાં આશીર્વચન આપતા કહ્યું કે આ યુનિવર્સિટીના આચાર્ય,અધ્યાપકો લોકડાઉનના સમયગાળા દરમિયાન ઓનલાઈન એજ્યુકેશનમાં સક્રિય રીતે કામ કરી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ સર્વનું કલ્યાણ ઈચ્છે છે. સર્વના સુખે સુખી થવાનું છે. આપણી સંસ્કૃતિને બચાવવા માટે આપણે સૌએ સાથે મળીને પ્રયત્નો કરવાની વાત સાહેબે કરી હતી. સામાજિક ડિસ્ટન્સ રાખવું, બહારથી આવીએ ત્યારે હાથ-પગ વારંવાર ધોવા આ બધું આપણી સંસ્કૃતિમાં હતું. પરંતુ ભૌતિકવાદના લીધે મૂલ્યો નષ્ટ થયા છે એ પાછા લાવવાના છે. આ યુનિવર્સિટીના અધ્યાપકો જે કંઈ સંશોધનો કરે એ જ્ઞાન આ વિસ્તારના છેવાડા સુધીના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું છે. વિદ્યાર્થીઓની પર્સનાલિટી ડેવલોપ થાય અને અત્યારે આવી પડેલી મહામારીમાંથી નિર્ભયતાથી બહાર આવે તે માટે આ યુનિવર્સિટી સતત પ્રયત્ન કરી રહી છે. આ પ્રમાણે કુલપતિ સાહેબે આશિર્વચન આપીને વેબીનારમાં સહભાગી થયેલા સૌને અભિનંદન આપી યુનિવર્સિટી વતીથી આભાર માન્યો હતો. આ વેબિનારમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના ઈ. સી. મેમ્બર ડો.ધીરેનભાઈ સુતરીયા, પ્રોફે. સ્નેહાબેન વ્યાસ તેમજ ૨૫ જેટલા વિવિધ કોલેજના આચાર્યો પણ જોડાયા હતા. સમગ્ર વેબીનારનું સંચાલન ડૉ. કાજલ પટેલે કર્યું હતું અને અંતમાં આભારવિધિ કોલેજના આઈ.ક્યૂ. એ. સી. કો-ઓર્ડીનેટર શ્રી કિરણસિંહ રાજપુતે કરી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
સરકારી વિનયન કોલેજ શહેરામાં સંસ્કૃત વિભાગનાં ઉપક્રમે રાજ્યકક્ષાનો વેબિનાર સંપન્ન થયો.
Advertisement