હાલ કોરોના મહામારી ચાલી રહી છે.એક તરફ કોરોનાના દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગ દિવસ રાત એક કરી રહ્યું છે.આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવારથી મહિનાઓ સુધી દૂર રહી ગુજરાતના વિવિધ વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ નર્મદા જિલ્લાના તરોપા PHC ના મેડિકલ ઓફિસર ડો.સંકેત જૈન પોતાની ફરજ પર ગેરહાજર જણાતા નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારીએ આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. નર્મદા જિલ્લા કલેકટરની એવી સૂચના હાલ કોરોનાની મહામારીના કપરા સમયગાળામાં કોઈ પણ અધિકારીએ પોતાનું હેડક્વાર્ટર પૂર્વ મંજૂરી વિના છોડવું નહિ, સાથે સાથે અન્ય શહેરોમાંથી અપ ડાઉન કરવું નહીં.તેમ છતાં અમુક આરોગ્ય અધિકારીઓ નર્મદા કલેકટરના આ આદેશને જાણે ઘોળીને પી ગયા હોય એમ હેડ ક્વાર્ટર પર હાજર ન રહેતા હોવાની બુમો ઉઠી હતી.જેને પગલે નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સુમન પોતાના વિસ્તારની આકસ્મિક વિઝીટમાં નીકળ્યા હતા.દરમિયાન 17 મી મે ના રોજ તરોપા PHC ના મેડિકલ ઓફિસર ડો.સંકેત જૈન પોતાના હેડ ક્વાર્ટર પર ગેરહાજર જણાયા હતા.ડો.એ.કે.સુનમે આ મામલે નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલને લેખિત જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. હેડ ક્વાર્ટર પર હાજર હતા નહિ, નોટિસ આપી છે: ડો. એ.કે.સુમન ( નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારી) નાંદોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સુમને જણાવ્યું હતું કે હું જ્યારે તરોપા PHC પર ગયો ત્યારે ડો.સંકેત જૈન ફરજ પર હાજર હતા નહિ.મે આ મામલે નોટિસ આપી છે.એ આવશે તો એમને ફેસિલિટી કોરોનટાઇન કરવામાં આવશે. મારે મીડિયા સાથે કોઈ લેવા દેવા નથી ડો.સંકેત જૈનનો મીડિયાને ઉદ્ધત જવાબ! જ્યારે આ મામલે અમારા પ્રતિનિધિએ ડો.સંકેત જૈન સાથે ટેલિફોનિક સંપર્ક સાધ્યો ત્યારે એમણે જવાબ આપતા જણાવ્યું હતું કે તમે જે કોઈ પણ હોય, હું પણ ડોકટર છું, ફોન મુકો મારે અત્યારે વાત નથી કરવી.હું ડોકટર છું અમદાવાદમાં રહું છું.નોટિસ બાબતે તો હું પૂછી લઈશ,જાણી લઇશ એ રીતનો ઉદ્ધત જવાબ આપ્યો હતો. તરોપા PHC ના મેડિકલ ઓફિસર ડો.સંકેત જૈન પોતાના કર્મચારીઓ પણ હેરાન કરતા હતા, કર્મચારી સાથે ખરાબ વર્તન કર્યું હોવાની વાતો આરોગ્ય વિભાગમાં ચર્ચાઈ રહી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે આવા કોરોના મહામારીના કપરા સમયગાળામાં એક તબીબ જો પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવશે તો ભારત કોરોના સામેનો કેવી રીતે જીતશે એ વિચારવું રહ્યું.
મોન્ટુ
રાજપીપલા