હાલમાં કોરોના વાયરસના સંક્રમણને વધતું અટકાવવા દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યુ છે.લોકડાઉનમાં ધંધાઓ બંધ થતાં શ્રમિક વર્ગ મુશ્કેલી અનુભવતો દેખાય છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી અન્ય વિસ્તારોમાં તેમજ બહારના રાજ્યોમાંથી ઘણા શ્રમિકો રોજી મેળવવા ગુજરાતના મહાનગરો ઉપરાંત બીજા પણ કેટલાક સ્થળોએ આવતા હોયછે.લોકડાઉન શરૂ થતાં ઘણા પરપ્રાંતિય શ્રમિકોનું કામ બંધ થતા આવક પણ બંધ થઇ. ઉપરાંત લોકડાઉનને લઇને શ્રમિકો પોતાના વતનમાં જવાની ઇચ્છા છતાં જઇ શકે તેમ ન હોઇ,તેમના માટે વતનમાં મોકલવા ટ્રેનો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના એક ગામે કામ કરતા ૩૨ જેટલા શ્રમિકો પોતાના વતનમાં જવા માટેની રજુઆત કરવા રાજપારડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા ત્યારે પી.એસ.આઇ જાદવે તેમની રજુઆત સાંભળીને તેમને વતનમાં પહોંચાડવાની ખાત્રી આપી હતી.પોલીસ દ્વારા આ શ્રમિકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.લોકડાઉનમાં અટવાયેલા આ શ્રમિકોએ વતનમાં પહોંચાડવાની ખાત્રી મળતા ખુશી અનુભવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.