માલવણ હાઇવે પર આવેલી આઇસીઆઇસી બેંકના મેનેજર મૌલિક પટેલ અને કેશીયર મોહિત શ્રીવાસ્તવ બંને અમદાવાદ મણીનગરથી માલવણ બેંકમાં રોજ અપ-ડાઉન કરતા હતા. જેમાં સોમવારે કેશીયર મોહિત શ્રીવાસ્તવને કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ મચી ગયો છે. હાલ આ બેંકના મેનેજર મૌલિક પટેલ અને પાટડીથી આ જ બેંકમાં કામ કરતા નિતીન નામના શખ્સને 14 દિવસ માટે કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યો છે. આ અંગે પાટડી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો. રાજકુમાર રમણે જણાવ્યું કે, આ બનાવની જાણ થતા તુરંત જ કોરોન્ટાઇન થયેલા મેનેજર મૌલિક પટેલ સાથે વાત કરી આગામી 14 દિવસ બેંક નહીં ખોલવાની કડક સુચના આપી દેવામાં આવી છે અને મેનેજરને પાછલા 14 દિવસમાં આ કેશીયર સાથે કયાં કયાં ગામના કેટલા વ્યક્તિઓએ રોકડની લેવડ-દેવડ કરી હોય તેની સંપૂર્ણ વિગત આપવાની સાથે મંગળવારે માલવણ આઇસીઆઇસી બેંકને સેનેટાઇઝેશન કરવા સહિત માલવણ પહોંચીને આગળની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, લોકડાઉનના ત્રીજા તબક્કાના પહેલાં જ દિવસે બેંકના કર્મચારીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કામગીરી હાથ ધરવામાં આવશે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર