કોરોના મહમારીમાં હાલ “આરોગ્ય શાખા” અને “ખાખી વરદી” ધારી કર્મચારીઓ દિવસ રાત પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા છે. એક તરફ જાહેર જનતા એમના કાર્યને બિરદાવી રહી છે તો બીજી બાજુ તંત્ર એમના કાર્યને બિરદાવવાનું તો ઠીક પણ પગાર પણ સમય પર ન કરતું હોવાનું સામે આવ્યું છે. નર્મદા જિલ્લામાં લોકડાઉનને પગલે 12 ફિમેલ હેલ્થ વર્કરોને પ્રમોશનથી વંચિત રખાયા હોવાનો પ્રશ્ન હજુ ઉભો જ છે ત્યારે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતી 30 જેટલી ફિક્સ પગાર આધારિત ફિમેલ હેલ્થ વર્કરોને છેલ્લા 3 મહિનાથી પગાર ન મળ્યો હોવાની બાબત સામે આવી છે. નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના હોદ્દેદાર આદિવાસી નેતા શંકરભાઈ વસાવાએ નર્મદા જિલ્લા પંચાયતના અધિકારીઓ અને શાસકો પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.એમણે જણાવ્યું હતું કે છેલ્લા 3 મહિનાથી ફિક્સ પગાર પર નોકરી કરતી 30 જેટલી ફિમેલ હેલ્થ વર્કરોનો પગાર થયો નથી એવી ફરિયાદ લઈને અમુક ફિમેલ હેલ્થ વર્કરો મારી પાસે આવી હતી.આ મામલે મેં જ્યારે જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી ત્યારે એમણે મને અનેક બહાના બતાવ્યા. નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ ઓફિસમાં બેસી ફક્ત રિપોર્ટ પર સહી જ કરે છે જેની સામે આરોગ્ય શાખાના નાના કર્મચારીઓ પોતાના જીવના જોખમે કોરોના મહામારીમાં ધોમ ધખતા તાપમાં સર્વે સહિતની અન્ય કામગીરીઓ કરતા હોય છે.એમને પગારથી વંચિત રાખી જ શકાય. ગુજરાત અને કેન્દ્ર સરકાર કોરોના સામે આટલી અસરકારક કામગીરી કરી રહ્યું છે.જેની સામે કોંગ્રેસ-બિટીપી શાસિત નર્મદા જિલ્લા પંચાયત સરકારની બદનામી કરી રહ્યું છે.જો ફિમેલ હેલ્થ વર્કરોનો વહેલી તકે પગાર ન થયો તો હું સરકારમાં રજુઆત કરીશ. નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલે જણાવ્યું હતું કે એ તમામ ફિમેલ હેલ્થ વર્કરો આઉટ સોર્સિંગથી લેવાઈ છે તેઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓ નથી.જેનો કોન્ટ્રાકટ છે એ બિલ મૂકે પછી કોન્ટ્રાકટ કંપની એમનો પગાર કરતી હોય છે.અમારી કચેરીમાં બિલ મુકાઈ ગયા છે હવે એમનો પગાર થઈ જશે. નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન દિનેશ તડવીએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના ફિમેલ હેલ્થ સુપરવાઇઝરોની સિનિયોરિટી મુજબ પ્રમોશનની ફાઈલ હું પોતે DDO સમક્ષ લઈને ગયો હતો.સરકારે વહીવટી અને નાણાકીય મંજૂરી પણ આપી દીધી છે તે છતાં ફિમેલ હેલ્થ વર્કરોનું પ્રમોશન ક્યાં કારણે અટકયું છે એ ખબર નથી પડતી.આઉટ સોર્સિંગથી લેવાયેલા ફિમેલ હેલ્થ વર્કરો જીવના જોખમે કામ કરી રહ્યા છે.કોન્ટ્રાકટ કંપની અને નર્મદા જિલ્લા પંચાયત વચ્ચે શું તાલમેલ નથી, ક્યાં કારણોસર પગાર રેગ્યુલર થતો નથી એ બાબતે હું જાતે તપાસ કરીને એ લોકોને ન્યાય અપાવીશ.ખરેખર તો આવા કર્મચારીઓનો દર મહિનાની 1 થી 5 તારીખ સુધીમાં પગાર થઈ જ જવો જોઈએ.
મોન્ટુ
રાજપીપલા
નર્મદા બ્યુરો