હાલ કોરોના મહામારીને લીધે સરકારે તમામને માસ્ક પહેરવું ફરજીયાત કર્યું છે.જે માસ્ક ન પહેરે એમને દંડ ફટકારવાની પણ સરકારે જોગવાઈ કરી છે.નર્મદા જિલ્લામાં પણ કોરોનાના 12 કેસો સામે આવ્યા હતા, જો કે એ પૈકી 11 દર્દીઓ સાજા થઈ જતા એમને રજા આપવામાં આવી હતી.દરમિયાન કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય એ માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નિયમોનું પાલન કરવા પ્રજાને જણાવાયું છે. નર્મદા જિલ્લામાં તમામ ધંધાદારીઓએ, બહારથી આવતા તમામ નાગરિકો, ફેરિયાઓએ માસ્ક પહેરવું અને ધંધાના સ્થળે હેન્ડ સેનેટાઈઝર રાખવું ફરજીયાત કર્યું છે. આ સુચનાનો ભંગ કરનારને 100 થી 500 રૂપિયા સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ કરાઈ છે. રાજપીપળા પાલિકાની વિવિધ ટીમો અલગ અલગ વિસ્તારમાં આ મામલે ચેકીંગ માટે નીકળી હતી.દરમિયાન પ્રથમ દિવસે જ રાજપીપળા પાલિકા દ્વારા 33 જેટલા દુકાનદારોને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારતા અન્ય લોકોમાં ફફડાટ મચ્યો છે. આગામી સમયમાં આનાથી પણ વધુ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશ તંત્ર દ્વારા અપાયા હોવાનું જાણવા મળ્યું છે
મોન્ટુ
રાજપીપલા
નર્મદા બ્યુરો