રાજ્ય સરકાર દ્વારા લેવાયલે નિર્ણય અનુસાર પંચમહાલ જિલ્લામાં નગરપાલિકા વિસ્તાર સિવાયની ગ્રામ્ય વિસ્તારની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે તેમ પંચમહાલ-દાહોદના નોંધણી નિરીક્ષકની અખબારીયાદીમાં જણાવાયું છે. પંચમહાલ જીલ્લામાં જાંબુઘોડા, ઘોઘંબા તથા મોરવા હડફ ખાતેની ત્રણ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે. દસ્તાવેજ નોંધણી માટે આવતા દરેક પક્ષકારે કચેરી બહાર સેનિટાઇઝરથી હાથ સાફ કરીને કચેરીમાં પ્રવેશ કરવાનો રહેશે. દસ્તાવેજ નોંધણી માટે આવનાર અરજદાર, વકીલ, બોન્ડ રાઈટર વગેરેએ કોરોનાના સંક્રમણને નાથવા માટે આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. દસ્તાવેજ નોંધણી માટે http://garvi.gujarat.gov.in પર જઈ ઈ-પેમેન્ટથી નોંધણી ફી ભરવાની તેમજ દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લેવાની રહેશે. ફક્ત ઓનલાઈન અપોઈન્ટમેન્ટ લીધેલ તથા ઈ-પેમેન્ટથી ઓનલાઈન નોંધણી ફી ભરેલ દસ્તાવેજની જ નોંધણી થઈ શકશે. દસ્તાવેજની નોંધણી માટે અંગુઠાનું નિશાન બાયોમેટ્રિક પદ્ધતિથી તેમજ વિડીયો રેકોર્ડિંગ સહિતની પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે. દરેક પક્ષકારે કચેરીમાં ફરજિયાત રીતે માસ્ક પહેરવાનું તથા સામાજિક અંતર જાળવવાનું રહેશે. હાલ પૂરતી ફક્ત દસ્તાવેજ નોંધણીની જ કામગીરી શરૂ કરવામાં આવી છે. શોધ, નકલ સહિતની કામગીરી બંધ રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.
પંચમહાલ રાજુ સોલંકી