કોરોના સામે કરાયેલા લોકડાઉનમાં ગોધરા નગર સ્વચ્છ થઈ ગયું છે. એક સમયે ગંદકીથી ખદબદતા ધણા સ્થળોએ હાલમાં કચરો જોવા મળતો નથી ગોધરાનગરમાંથી દરરોજ નીકળતા કચરામાં ૫ ટનનો ઘટાડો નોંધાયો છે.
આમ લોકડાઉનમાં પ્રદૂષણનું પ્રમાણ તો ઘટ્યું છે સાથે નગરમાં સ્વચ્છતા પણ જોવા મળી રહી છે. ગોધરા શહેરના કોઈપણ માર્ગ પરથી હાલમાં પસાર થઈ રહ્યા હોય તો ભાગ્યે જ કોઈ સ્થળે કચરો જોવા મળશે. આ ઉપરાંત લાલબાગ બસ સ્ટેન્ડ, પાંજરાપોળ રોડ, કલાલ દરવાજા, ભૂરાવવા ચારરસ્તા, શહેરા ભાગોળ, જુહૂરપુરા શાકમાર્કેટ, સીવીલ લાઇન્સ રોડ, કેસરી ચોક પોલનબજાર તથા પશ્ચિમ વિસ્તારના તમામ સ્થળોએ અગાઉ કચરાના ઢગ ખડકાયેલા રહેતા હતા તંત્ર દ્વારા અનેક વખત પ્રયાસો કરવામાં આવ્યા છતાં આ સ્થળોએ સ્વચ્છતા જાળવવામાં સફળતા મેળવી શકયા નહી. આ સ્થળો પર સફાઈ કર્યા બાદ ગણતરીની ક્ષણોમાં ફરીથી કચરાના ઢગ ખડકાઈ જતાં હતા તંત્ર દ્વારા જે કામ ના થઈ શક્યું તે હાલમાં લોકડાઉનમાં આપો આપ થઈ જવા પામ્યું છે. ગોધરા શહેરમાં અગાઉ કચરાના ઢગથી ખદબદતા અનેક વિસ્તારો ચોખ્ખા અને સ્વચ્છ જોવા મળી રહ્યા છે. ગોધરા નગરપાલિકાના સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર મુકેશભાઈ પટેલ એ જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં ગોધરા શહેરમાંથી દરરોજ ૪૫.૫ ટન કચરોનો નિકાલ કરવામાં આવે છે જેમાં હાલમાં ઘટાડો થતા દરરોજ ૪૦.૫ ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આમ લોકડાઉનમાં દરરોજ કચરાના નિકાલમાં ૫ ટન કચરાનો ઘટાડો નોંધાયો છે. લોકડાઉનમાં ગોધરા શહેરમાં લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે તેમજ હોટલ રેસ્ટોરન્ટ દુકાનો સહિત બજારો બંધ છે જેથી હાલમાં કોમર્શિયલ વિસ્તારમાંથી આવતો કચરો એક્દમ ઓછો થઈ ગયો છે. અગાઉ જયા કચરાના ઢગ ખડકાયેલા રહેતા હતા તે સ્થળે હાલમાં કચરો જોવા મળતો નથી વાસ્તવમાં સાફ સફાઈ થતી રહેતી હોય છે પરંતુ લોકોની કુટેવને કારણે સ્વચ્છતા જળવાતી નથી. હાલમાં લોકો ઘરોમાં છે જેથી બહાર સ્વચ્છતા જળવાઈ રહી છે. લોકડાઉન બાદ પણ લોકો પોતાની કુટેવો છોડી શકે તો સ્વચ્છતા જળવાઈ શકે છે. સામાન્ય રીતે કોઈ વીવીઆઈપી જ આવવાના હોય ત્યારે રસ્તા તદ્દન સ્વચ્છ જોવા મળે છે પરંતુ આ વખતે લોકડાઉનને લીધે રસ્તા પરના કચરાનું પ્રમાણ નહિવત થઈ ગયું છે. અમુક જાગૃત નાગરિકોના મતે કોરોના સામેના વિજય બાદ પણ આપણે રસ્તા પર કચરો નાખવાની આદતને પણ હરાવીએ તે જરૂરી છે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા નગરપાલિકા દ્વારા સફાઇ કરી નિકાલ કરવામાં આવતા કચરામાં 5 ટનનો ઘટાડો નોંધાયો.
Advertisement