વિશ્વભરમાં કોવિડ-૧૯ સંક્રમણના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ રહી છે. નબળી રોગપ્રતિકારક શક્તિ કોવિડ-૧૯ થી થતા મરણના મોટાભાગના કેસોનું મુખ્ય કારણ છે તેમ આરોગ્યવિભાગ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકામાં જણાવાયું છે ત્યારે આયુષ મંત્રાલય દ્વારા પણ દેશભરમાં રોગપ્રતિકારક શક્તિ વધારનાર આરસેનિક આલ્બ-૩૦ હોમિયોપેથીક દવાઓની મદદથી કોરોના વોરીયર્સની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પંચમહાલ હોમિયોપેથીક ડોકટર્સ એસોસિએશનના ડોકટર્સ અને જલારામ હોમિયોપેથીક કોલેજ મોરવા (રેણા) દ્વારા દોઢ લાખ જેટલા હોમિયોપેથીક દવાના ઇમ્યુનિટી બૂસ્ટર ડોઝ બનાવી કોરોના સામેની લડાઈના ફ્રન્ટ વોરિયર્સને વિતરણ કરવાના મેગા અભિયાનની શરૂઆત કરી છે. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના હસ્તે કલેકટર કચેરીના કર્મચારીઓને આ શીશીઓનું વિતરણ કરી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરશ્રીએ કોરોના વોરિયર્સ ઉપરાંત આરોગ્યની સમસ્યાઓ ધરાવતા વડીલ નાગરિકોને વધુ જોખમને ધ્યાનમાં રાખી પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. એસોસિએશનના પ્રમુખ ડો.યોગેશ પંડ્યાએ જણાવ્યું હતું કે આરસેનિક આલ્બ-૩૦ની એક બોટલથી ૨ વ્યક્તિને ૩ દિવસ માટેની દવા થઈ રહી છે. આ કોર્સ ૩ દિવસનો હોય છે અને એક મહિના બાદ ફરીથી રિપીટ કરવાનો હોય છે. જિલ્લામાં આવી કુલ ૧.૫૦ લાખ બોટલ્સનું વિતરણ કરવામાં આવશે. જેમાં પોલીસ કર્મચારીઓને અને આરોગ્યની કામગીરીમાં સંકળાયેલા પંચાયતના કર્મચારીઓને આ દવાનું વિતરણ કરી કોરોના સામે લડવા વધુ સુસજ્જ બનવા મદદ કરશે. આ પ્રસંગે પંચમહાલ હોમીઓપેથી ડોક્ટર્સ એસોસિએશનના સેક્રેટરી ડો. હર્ષદ મેહરા, જલારામ હોમિયોપેથીક કોલેજ (રેણા) ડો. વિજય પટેલ, ડો. કિરણ પરમાર તેમજ આયુષ વિભાગના પ્રતિનિધિ ડો. પ્રકાશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામાં હોમિયોપેથીક ડોકટર્સ એસોસિએશન દ્વારા આરસેનિક આલ્બ-૩૦ ની ૧.૫૦ લાખ બોટલ્સનું વિતરણ કરાશે.
Advertisement