કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. લોકોને નોવેલ કોરોના વાયરસના સંક્રમણ થી બચાવવા માટે પંચમહાલ જિલ્લામાં પણ જિલ્લા પોલિસ દ્વારા તેનું સખ્તાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે તે સાથે આ કપરા સમયે જરૂરતમંદોને મદદ કરવામાં પણ જિલ્લા પોલિસ ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરી રહી છે. આ જ શ્રેણીમાં દામાવાવ પોલિસે માનવતાનું એક સુંદર કાર્ય કર્યું છે. દામાવાવ પોલિસ સ્ટેશનની હદમાં લગભગ 33 જેટલા ગામો આવે છે. આ ગામોમાં લોકડાઉનનો કડક અમલ કરાવવાની સાથે લોક ડાઉનના કારણે કોઈ અશક્ત, નિઃસહાય કે લાચાર વ્યક્તિ ભૂખ્યો ન સૂવે તેની કાળજી પણ પોલિસ દ્વારા રાખવામાં આવી રહી છે. લોક ડાઉન દરમિયાન વિસ્તારના ગરીબ, વિધવા તેમજ રોજનું કમાઈ ખાતા પરપ્રાંતીયો જેવા જરૂરતમંદોને મદદ કરવા દામાવાવ પોલિસ સ્ટેશનના કર્મીઓએ ફાળો એકઠો કરી તેમને જીવન જરૂરિયાતની 200 જેટલી કીટનું વિતરણ કર્યું છે. જેમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ, તેલ સહિતની રોજિંદી રાશન સામગ્રીનો સમાવેશ થાય છે. પી.એસ.આઈ શ્રી અલ્પેશભાઈ બારિયાના નેતૃત્વ હેઠળ દામાવાવ પોલિસે ગ્રામજનોને પોલિસના માયાળુ પાસાનો પરિચય કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દામાવાવ પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન આશરે 100 જેટલા વાહનો ડિટેઇન કરી દંડ વસુલવામાં આવ્યો છે. તેમજ જાહેરનામા ભંગના પણ 21 કેસો કરી લોકોને ઘરમાં રહી સુરક્ષિત રહેવાનું સુનિશ્ચિત કરવાની દિશામાં કામગીરી કરવામાં આવી છે.
રાજુ સોલંકી:- પંચમહાલ