વાંકલ-ઉમરપાડા તાલુકા મથકની એકદમ નજીકના નર્મદા જીલ્લાના ભુતબેડા ગામે ગતરોજ કોરોના વાયરસનો પોઝીટીવ કેસ મળી આવવાની ઘટનાના પગલે ઉમરપાડા અને ઉંચવણ ગામના લોકોએ તા.૨૬ મી સુધી સદંતર લોકડાઉન કરવાનો સામુહિક નિર્ણય કરી બજારો બંધ કરી દિધા છે. કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. જેમાં સવારે ૧૦ થી ૧૨ કલાક દરમ્યાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે દુકાનો ખોલવામાં આવતી હતી, પરંતુ નજીકના ગામમાં કોરોના વાયરસનો પોઝીટિવ કેસ મળી આવતા ઉમરપાડા અને ઉંચવણ ગામના બજારના વેપારીઓ અને ઉમરપાડા ગ્રામપંચાયતના સરપંચ રમીલાબેન પ્રકાશભાઇ વસાવા-ઉંચવણના સરપંચ માલુબેન ગુલાબભાઇ વસાવા અને આગેવાનોએ ચર્ચા વિચારણા કરી સામુહિક નિર્ણય લઇ તા.૨૬ મી સુધી સદંતર લોકડાઉન કર્યું હતું. એક દિવસ અગાઉ નજીકના કેવડી ગામે પણ સદંતર લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી હવે કેવડી અને ઉમરપાડાના બજારો બંધ રહેશે. રેન્જ આઇ.જી. એ કેવડી-ઉંચવણ અને ઉમરપાડાના સરપંચો સાથે મિટિંગ યોજી
ઉમરપાડાની મુલાકાતે આવેલા રેન્જ આઇ.જી અને સુરત જીલ્લા પોલીસ વડાએ કેવડી-ઉંચવણ અને ઉમરપાડા સહિત ત્રણ ગામના સરપંચ આગેવાનો સાથે મિટિંગ યોજી તકેદારીના પગલા ભરવા સુચનો કર્યા હતા. જેમા અગ્રણી આગેવાનો અમિષભાઇ વસાવા, ગુલાબભાઇ વસાવા, પ્રકાશભાઇ વસાવા હાજર રહ્યા હતા તેમને પોલીસ તંત્રને સહયોગ આપી લોકડાઉનનું ચુસ્ત પાલન થાય તેમજ સરહદી જીલ્લાઓમાંથી સદંતર પ્રવેશ બંધી કરવામાં આવે તે અંગે જરૂરી માર્ગદર્શન આપી લોક સહયોગની માંગ કરી હતી.
ઉમરપાડા-ઉંચવણનાં ગ્રામજનોએ તા.૨૬ મી સુધી સંપુર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો.
Advertisement