પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના જણાવ્યા અનુસાર ગોધરા શહેરમાં 1 નવો કોરોના પોઝિટીવ કેસ મળી આવતા હાલમાં જિલ્લામાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 6 થવા પામી છે. એક કોરોનાગ્રસ્ત પુરુષનું સારવાર દરમિયાન અવસાન થયું હતું અને હાલ પાંચ પોઝિટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. છઠ્ઠા પોઝિટીવ કેસ તરીકે ગોધરા શહેરના રાટા પ્લોટ વિસ્તારના 58 વર્ષીય પુરૂષનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. તેઓ વડોદરા કોરોના હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. જિલ્લાના અત્યાર સુધીના તમામ પોઝિટીવ કેસો ગોધરા શહેરમાંથી મળી આવ્યા છે. પોઝિટીવ કેસ ધરાવતા વિસ્તારોને રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં રબ્બાની મહોલ્લા, પ્રભા રોડ- ભગવતનગર, અબરાર મસ્જિદ વિસ્તાર અને મદની મહોલ્લા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં બેરિકેડિંગ કરીને પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શ્રી અરોરાએ ઉમેર્યું હતું કે ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરેલા તમામ વિસ્તારોમાં જીવનજરૂરિયાતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લામાં 1196 વ્યક્તિઓનો હોમ ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે, જ્યારે 120 વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈન સમયગાળો હાલમાં ચાલુ છે. જિલ્લામાંથી અત્યાર સુધી તપાસ અર્થે કુલ 49 સેમ્પલ મોકલવામાં આવ્યા છે, જે પૈકી 32 નેગેટીવ, 06 પોઝિટીવ આવ્યા છે, જ્યારે 08ના રિઝલ્ટ પેન્ડિંગ છે. કોવિડ-19 હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કુલ 15 દર્દીઓ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.જિલ્લા સમાહર્તાશ્રી અમિત અરોરાએ સંક્રમણના જોખમને ધ્યાનમાં લઈને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન કરાયેલ વિસ્તારના લોકોને અનિવાર્ય ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા તેમજ આરોગ્ય કર્મચારીઓ અને પોલિસને તેમની કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી હતી. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે પરંતુ કોરોનાના પડકારમાંથી હેમખેમ પાર ઉતરવા માટે તમામ લોકોનો સહયોગ અને લોકડાઉનનો ચુસ્ત અમલ આવશ્યક છે.
પંચમહાલ રાજુ સોલંકી