ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે તકેદારીના રુપે હોમ કોરેન્ટાઇન કરાયેલા 18 જેટલા ઇસમોનો કોરોના ટેસ્ટ કરાતા તમામનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.ઉલ્લેખનીય છેકે વિશ્વ વ્યાપી કોરોના વાયરસે ભારતમાં પણ કબજો જમાવ્યો છે.થોડા સમય પહેલા દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલ તબ્લીગી જમાતના મરકજ પર ધાર્મિક સંમેલનમાં એકઠા થયેલા કેટલાક ઇસમોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એકશનમાં આવી ગયુ હતુ.બાદમાં તે સમય દરમિયાન નિઝામુદ્દીન વિસ્તારની કોણે કોણે મુલાકાત લીધી હતી તેની તપાસ કરવામાં આવતા રાજપારડીના કેટલાક ઇસમોનું દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં લોકેશન જણાયુ હતુ.ઉલ્લેખનીય છેકે રાજપારડી તેમજ ભાલોદના કેટલાક મુસ્લિમ ભાઇઓ યુ.પી.સ્થિત કિછૌછા શરીફ દરગાહે ગયેલા હતા.બાદમાં તેઓએ દિલ્હી ખાતે નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલ હઝરત નિઝામુદ્દીનબાવાની દરગાહની મુલાકાત લીધી હતી.તેઓના જણાવ્યા મુજબ તેઓએ જુજ સમય માટે ફક્ત દર્શનના હેતુથી દરગાહની મુલાકાત લીધી હતી અને તે વિસ્તારમાં આવેલ તબ્લીગી જમાતના મરકજ સાથે તેમને કોઇ કનેક્શન નથી.પરંતુ તેમની દિલ્હીની મુલાકાતની ખબર પડતા તંત્ર દ્વારા તકેદારીના રુપે આ રાજપારડી અને ભાલોદના દિલ્હીની મુલાકાતે જનારા ઇસમોના પરિવારોને ઘરોમાં કોરેન્ટાઇન કરાયા હતા.જોકે હોમ કોરેન્ટાઇન કરાયા તે સમયે તેઓને દિલ્હીની મુલાકાત બાદ રાજપારડી પાછા ફર્યે દિવસો વીતી ગયા હતા.અને તે દરમિયાન આ પરિવારોનો ટેલિફોનીક સંપર્ક કરાતા તમામ પરિવારો શારીરિક રીતે સ્વસ્થ હોવાનું જણાયુ હતુ.બાદમાં થોડા દિવસ અગાઉ કોરેન્ટાઇન કરાયેલા પૈકી રાજપારડીના બે યુવાનોએ સ્વૈચ્છિક રીતે રિપોર્ટ કરાવવાની ઇચ્છા વ્યક્ત કરતા તેઓને ભરૂચ લઇ જવાયા હતા.તેમનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.ત્યારબાદ તા.૧૦ અને ૧૧ ના રોજ રાજપારડી અને ભાલોદના બાકી રહેલા કુલ 16 ઇસમોને ભરૂચ કોરોના પરિક્ષણ માટે લઇ જવાયા હતા.આ તમામ ઇસમોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.રાજપારડી અને ભાલોદના હોમ કોરેન્ટાઇન હેઠળ રખાયેલા તમામ ૧૮ ઇસમોનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.થોડા સમય પહેલા સોશિયલ મિડીયા પર રાજપારડી અને ભાલોદના આ ઇસમોને તબ્લીગી જમાતના સંમેલનમાં જઇને આવેલા હોવાની ખોટી વાતો વહેતી થતાં આ ઇસમોએ ટેલિફિનીક વાતચીત દરમિયાન તેનું ખંડન કર્યુ હતુ.અને તેઓ તેમની દિલ્હીની મુલાકાત દરમિયાન જુજ સમય માટે નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલ હઝરત નિઝામુદ્દીનબાવાની દરગાહે દર્શન માટે ગયા હોવાની લાગણી ઉચ્ચારી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.