“અન્યોને પ્રેરણા મળે કે આ પ્રવૃતિમાં જોડાવાનો લહાવો મળે તે માટે આપ ઈન્ટરવ્યુ અને ફૂડ પેકેટ તૈયાર કરતા ફોટોઝ લો તે ઠીક છે પરંતુ ગરીબોને ફૂડ પેકેટનું વિતરણ કરતા ફોટોઝ અમે પડાવતા નથી કે કોઈ સોશિયલ મીડિયા પર મૂકવાનું સમર્થન પણ કરતા નથી.” ગોધરાના મહાકાળી માતાના મંદિરના વિશાળ રસોડા અને ભોજનકક્ષમાં સવારના સમયે તૈયાર થઈ રહેલા 700 થી વધુ ફૂડ પેકેટસ પર નજર રાખતા જિગરભાઈ દવે આમ જણાવે છે. સરકારે લોક ડાઉન દરમિયાન રોજમદારો, ગરીબો, શ્રમિકો, ભિક્ષુકો સહિતના જરૂરતમંદ વર્ગને બે ટંક ખાવા-પીવાની મુશ્કેલી ન પડે તે માટે એપ્રિલ માસના ફ્રી રાશનનું વિતરણ, રાશનકીટનું વિતરણ, અન્નબ્રહ્મ યોજના અંતર્ગત વિતરણ સહિતના આયોજનો કર્યા છે જ પરંતુ એ મહાકાળી ગ્રુપ જેવા સેવાભાવી જૂથો-સંસ્થાઓ જ છે કે જે લોક ડાઉન દરમિયાન આપણા દેશબાંધવો ભૂખા ન સૂવે તે સુનિશ્ચિત કરવા સરકારના હાથ મજબૂત કરી રહ્યા છે. જિગરભાઈ અને તેમના સાથી એવા 15-20 યુવાનોનું જૂથ લોક ડાઉન દરમિયાન આર્થિક પ્રવૃતિઓ બંધ થવાના કારણે સંઘર્ષ કરી રહેલા શ્રમિકો, ગરીબો, ઘરવિહોણાઓ, ફરજ પર કાર્યરત પોલિસ સહિતના કર્મચારીઓને સમયસર સારી ગુણવત્તાનું ભોજન મળી રહે તે માટે રોજ સવારે 600- 700 જેટલા ફૂડ પેકેટ બનાવે છે. જિગરભાઈ જણાવે છે કે લોક ડાઉન જાહેર થયું ત્યારથી જ શહેરના ગરીબો, ભિક્ષુકો માટે ચિંતા હતી અને તેમના માટે ભોજનનું વિતરણ કરવાનો વિચાર તેમણે રજૂ કર્યો. જેને સમિતભાઈ પટેલ, દર્શનભાઈ સોની, જતીનભાઈ સુખડિયા, હર્ષભાઈ સોની, સંકેતભાઈ સોની, કૌશલભાઈ ચોક્સી, જતિનભાઈ ત્રિવેદી, રવિભાઈ જોષી, આર્યન દવે સહિતના મિત્રોએ વધાવી લીધો. આ જૂથના સભ્યો અને અન્ય ભાવિક જનો પણ આ પ્રવૃતિ માટે સર-સામાનનું યોગદાન આપે છે, જેમાંથી રોજ સવારે આ સભ્યો ગુણવત્તાસભર અને પૌષ્ટિક નાસ્તો-ફૂડ પેકેટ બનાવે છે. દર્શનભાઈ સોની જણાવે છે કે રોજ એકની એક વસ્તુ ન આપતા અમે ચણા પુલાવ, થેપલા, બુંદી-ગોટા, પુરી-સબ્જી, ખિચડી, પૌંઆ જેવી અલગ-અલગ વાનગી બનાવી વિતરણ કરીએ છીએ. જમવાનું બનાવવાની જગ્યા તેમજ વાસણો સારી રીતે સ્વચ્છ હોય તેમજ પ્રવૃતિમાં ભાગ લેનાર મિત્રો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના બચાવ અંગેના નિર્દેશોનું દરેક પગલે પાલન કરે છે. વિતરણ સમયે પણ ગ્લોવ્ઝ અને માસ્ક ફરજિયાપણે પહેરી રાખે છે. ફ્રેશ નાસ્તાના ફૂડ પેકેટ તૈયાર થઈ ગયા પછી આ મિત્રો ચાર અલગ-અલગ દિશામાં નીકળી પડે છે. બામરોલી રોડ, ગોન્દ્રા ચોકડી રોડ, ભૂરાવાવ-લુણાવાડા રોડ અને પટેલવાડા એમ ગોધરાના તમામ વિસ્તાર કવર થઈ જાય તેવી રીતે વિતરણ કરે છે. ગરીબો અને જરૂરતમંદો ઉપરાંત લોક ડાઉનનું પાલન કરાવવા ફરજ પર તૈનાત પોલિસ-ટ્રાફિક-જીઆરડીના જવાનોને પણ તેઓ ફૂડ પેકેટ પહોંચાડે છે. સવારે 8:00 વાગ્યાથી તૈયારીઓમાં પરોવાઈ જતા આ મિત્રોના ચહેરા પર કલાકોની મહેનત પછી પણ થાક નહીં પરંતુ સમાજ માટે કંઈક સારુ કર્યાનો સંતોષ જોવા મળે છે. આ ગ્રુપ અંતમાં એક સુંદર અપીલ પણ કરે છે કે ગરીબોને આપતી વખતે એમને લાચારીનો ભાવ ન થઈ આવે તે જોવું જોઈએ. તેથી કોઈને બિચારાપણા જેવી લાગણી ન થાય તેમ મદદ કરવાથી જ સત્કાર્ય પાછળનો હેતુ સિદ્ધ થાય છે તે સૌ સેવાભાવી વ્યક્તિઓ, સંસ્થાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા પણ કોરોના કટોકટીના આ કપરા સમયમાં આવા સેવાકીય જૂથોની પ્રવૃતિ વખાણી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
પંચમહાલ રાજુ સોલંકી
લોક ડાઉન દરમિયાન ગોધરાનાં મહાકાળી મંદિર ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ રોજના 700 લેખે 12,000 થી વધુ ફુડ પેકેટનું જરૂરિયાતમંદોને વિતરણ કર્યું.
Advertisement