Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લા 181 અભયમે હાલોલ ખાતે બંધક બનાવાયેલ વૃદ્ધ મહિલાને મુક્ત કરાવ્યા.

Share

કોરોના મહામારીને દેશભરમાં ફેલાતી અટકાવવા 21 દિવસનું લોકડાઉન અમલી છે ત્યારે સરકારના વિવિધ વિભાગો લોકડાઉન દરમિયાન પણ પોતાની લોકઉપયોગી સેવાઓ આપવાનું કર્યા અવિરતપણે બજાવી રહ્યા છે. આવું જ એક સેવા છે, 181 અભયમ હેલ્પલાઇન. પંચમહાલ જિલ્લાની 181 મહિલા હેલ્પલાઈન લોકડાઉન દરમિયાન જિલ્લાની મહિલાઓના પ્રશ્નો અંગે સતત કાર્યરત રહી છે. ગઈકાલે પણ અભયમ હેલ્પલાઈન દ્વારા 20 દિવસથી વધુ સમય ગોંધી રખાયેલા 80 વર્ષના એક મહિલાને મુક્ત કરાવી વૃધ્ધાશ્રમમાં મોકલી આપ્યા હતા. સમગ્ર જિલ્લામાં લોકડાઉનનું સખ્ત રીતે પાલન થઈ રહ્યું છે ત્યારે 181 હેલ્પલાઇનને હાલોલથી એક કોલ આવ્યો જેમણે તેમને જણાવ્યું કે દેસાઈની પોળ ખાતે એક વયોવૃદ્ધ મહિલાને ભુખ્યા તરસ્યા એકલા બંધ કરી દેવામાં આવ્યા છે અને તેઓ મદદ માટે વિનંતી કરી રહ્યા છે. વાત ગંભીર જણાતા 181 ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યાં જાણવા મળ્યું કે એક દીકરી જેને વ્હાલનો દરિયો કહેવામાં આવે છે એવી દીકરીએ તેના પતિ સાથે મળીને પોતાની સગી જનેતાને લોકડાઉન શરૂ થયું ત્યારથી, છેલ્લા 20 દિવસથી બીજી મંજિલ પર આવેલા એક ઘરમાં પૂરીને અન્યત્ર શહેરમાં રહેવા જતા રહ્યા હતા. તેઓને ઘરમાં પૂરીને નાસ્તો અને પાણીની સગવડ કરી આપી તેમના સગા દીકરી અને જમાઈ અન્યત્ર કોઈ શહેરમાં ચાલ્યા ગયા હતા અને હાલ ચાલી રહેલ લોકડાઉનના બહાને ૨૦ દિવસ સુધી પરત ઘેર આવ્યા જ નહીં. મકાનની પાણીની ટાંકીમાં પાણી ખલાસ થઇ જતા વૃધ્ધા દ્વારા મકાનની બારીમાંથી પાડોશીને પાણી બાબતે જાણ કરવામાં આવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં આસપાસના રહીશોને ખબર પડતા બીજા માળે કેદ એવા આ વૃદ્ધાની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે તેમને તેમના સગા દીકરી જ ઘરમાં પૂરીને ચાલ્યા ગયા છે અને આ બાબતની કોઈને જાણ ના કરવા મામલે ધમકી પણ આપતા ગયેલા. 20 દિવસથી તેઓ સૂકો નાસ્તો અને પાણી પર જ જીવી રહ્યા હતા. 181 અભયમના સ્ટાફ દ્વારા આ અંગે વૃદ્ધાના દીકરી અને જમાઈનો સંપર્ક કરતા તેઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. છેવટે હાલોલ પોલીસ અને એસડીએમશ્રીને જાણ કરવામાં આવતા અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પંચોની હાજરીમાં તાળું તોડી વૃધ્ધાને ઘરની કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. પોતે એકલા હોવાનું અને અન્ય કોઈ આશ્રય ન હોવાનું માલુમ પડતા વૃદ્ધાને અભયમ દ્વારા મુક્ત કરીને કાંકણપુર ખાતેના વૃદ્ધાશ્રમમાં મોકલી અપાયા છે. અભયમ ટીમ અને અધિકારીઓ દ્વારા તેમને સારી કાળજી અંગે ધરપત આપવામાં આવી હતી. તેમને ચાર દિકરીઓ છે. અગાઉ, આ વૃધ્ધા ગોધરા ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં જ રહેતા હતા પરંતુ એક વર્ષ અગાઉ તેમના દિકરી તેમની સારી સંભાળ રાખીશું તેમ જણાવી તેની સાથે હાલોલ ખાતે લઇ આવી હતી શરૂઆતના ૨ માસ દરમિયાન પોતાની માતા સાથે સારો વ્યવહાર કરી બાદમાં તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા ૨ માસથી દીકરી દ્વારા તેની માતાને વધુ પડતા હેરાન કરવામાં આવ્યા હતા અને છેલ્લા ૨૦ દિવસ ઉપરાંતના સમયથી દિકરી – જમાઈ તેમજ તેમના બાળકો આ વૃદ્ધાને હાલોલ ખાતેના મકાનમાં પૂરીને બહારથી તાળું લગાવી વડોદરા જતા રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

કેવડી ગામનાં કોરોના વાયરસ પોઝીટીવ દર્દીનાં સંપર્કમાં આવેલા વધુ બે ખેડૂતોનાં રીપોર્ટ પોઝીટીવ આવતા કુલ ચાર કેસ નોંધાયા તંત્રની ચિંતામાં વધારો.

ProudOfGujarat

ધો.12 સાયન્સમાં ઓછું પરિણામ આવતાં ડમી સ્કૂલો સામે તપાસની માંગ

ProudOfGujarat

અંકલેશ્વરની કડકિયા એજ્યુકેશન કેમ્પસને ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી દ્વારા ICSI કોર્ષની માન્યતા અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!