કોરોનાના સંક્રમણને વધતુ અટકાવવા દેશ વ્યાપી લોકડાઉન ચાલુ છે.ત્યારે લોકોને અનાજ કરિયાણું, દુધ, દહીં, શાકભાજી, ફળો, દવાઓ જેવી જીવન જરૂરિયાતની આવશ્યક ગણાતી વસ્તુઓ મળી રહે તે માટે આવા ધંધાઓ કરતા વેપારીઓને તેમના ધંધા નિયત સમયગાળા દરમિયાન ખુલ્લા રાખવાની છુટ મળેલી છે.મોટાભાગના અનાજ કરિયાણુ, તેલ, ખાંડ, વેચતા વેપારીઓ તેમની દુકાનોમાં પાન પડીકી જેવી વસ્તુઓ પણ વેચતા હોય છે.હાલમાં ચાલતા લોકડાઉનનો ખોટો ફાયદો ઉઠાવીને ઘણા સ્થળોએ કેટલાક લોભી અને નફાખોર વેપારીઓ પ્રોવિઝનની આડમાં પાન પડીકીના પેકેટો બમણી તો ઠીક પણ અધધ કહેવાય તેમ ત્રણ ઘણી કિંમત લઇને વેચી રહ્યા હોવાની વ્યાપક વાતો ચર્ચામાં આવી છે.ત્યારે અહિં સવાલ એ ઉભો થાય છે કે અનાજ કરિયાણા જેવી વસ્તુઓની સાથે આ પાન પડીકી જેવી વસ્તુઓ પણ તેમને વેચવાની છુટ મળી છે ? અને તે પણ મોટી નફાખોરી સાથે ? પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ઉમલ્લા દુ.વાઘપુરા જેવા ગામોએ પણ કેટલાક નફાબાજ વેપારીઓ પ્રોવિઝનની આડમાં તગડા નફાથી પાન પડીકીનું વેચાણ કરી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે.હાલમાં ફક્ત આવશ્યક વસ્તુઓના વાહનોને જ પરિવહનની છુટ છે ત્યારે પાન પડીકી જેવી વસ્તુઓ આવે છે કેવી રીતે ? ચર્ચાતી વાતો મુજબ વાહનોમાં નીચે પાન પડીકીના પાર્સલો મુકીને ઉપર આવશ્યક વસ્તુઓ મુકીને તેને ઢાંકીને લઇ જવાય છે.સામાન્ય રીતે આજે પાન પડીકીઓના બંધાણીઓનો મોટો વર્ગ જણાય છે.અને પાન પડીકી વિના ચાલે નહિ તેવા બંધાણીઓ પાંચ રૂપિયામાં મળતી પડીકી વીસ રૂપિયામાં પણ ખરીદતા હોય છે.લોકડાઉન કેટલું ચાલશે તે અંગે હજી અનિશ્ચિતતા જણાય છે.ત્યારે ફક્ત ચાર પાંચ કલાક ધંધો કરતા વેપારીઓ પૈકી કેટલાક આજે પ્રોવિજનની આડમાં પાન પડીકીનો ધુમ કાળાબજાર કરીને રીતસર લોકોને લુંટી રહ્યા છે.ત્યારે લોભી અને નફાખોર વેપારીઓની હળકટ વૃત્તિને ડામવા કડક હાથે પગલા ભરવા જરુરી બન્યા છે.બહારથી આવતા સામાનના વાહનોની ઝીણવટભરી તપાસો કરાય એ જરૂરી બન્યુ છે.આજે લોકડાઉનને લઇને આવશ્યક વસ્તુઓ સિવાયના ધંધાઓ બંધ છે.ત્યારે હાલ લોકડાઉનને માન આપીને જે અન્ય ધંધાઓ બંધ છે તે વેપારીઓ એવી લાગણી અનુભવતા દેખાઇ રહ્યા છે કે આતો ચાર પાંચ કલાકમાં જ કેટલાક શોષણખોર વેપારીઓ કાળાબજારથી બમણી આવક મેળવી રહ્યા છે! તેથી ઝઘડીયા તાલુકામાં આ બાબતે તંત્ર તપાસ કરીને આવા નફાબાજોને નિયંત્રણમાં લે તે ઇચ્છનીય છે.લોકડાઉન ચાલુ છે ત્યારે આવા કાળાબજારીયાં ઝડપાય તો તેમને સખ્ત નશિહત કરવાની જોગવાઇઓ ઉભી કરવી જોઇએ.મળતી માહિતી મુજબ આ અંગે મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યુ છે.વધુમાં હાલમાં આ પાન પડીકીનો જથ્થો ક્યાંથી આવી રહ્યો છે તે બાબતે પણ યોગ્ય તપાસ થાય તે જરૂરી છે.ચર્ચાતી વાતો મુજબ કેટલાક વેપારીઓ એવુ કહેતા હોય છે કે અમારે ઉંચા ભાવે આ વસ્તુઓ લાવવી પડે છે.ત્યારે લોકડાઉનને પોતાના સ્વાર્થ માટેનું સાધન સમજી બેઠેલા લોભીયાઓને તાકીદે સીધા કરવા અસરકારક પગલા લેવાય તે જરૂરી બન્યુ છે.
રાજપારડી સહિત કેટલાક સ્થળોએ પ્રોવિઝનની આડમાં પાન પડીકીનો ધંધો રનિંગ ભાવ કરતાં ત્રણ ઘણી કિંમતે કાળાબજાર કરતાં નફાખોરો.
Advertisement