ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામના ૧૫ જેટલા મુસ્લિમ પરિવારોને હાલ હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રખાયેલા છે.તાજેતરમાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલ તબ્લીગી જમાતના મરકજ પર ધાર્મિક સંમેલનમાં એકઠા થયેલા ઇસમો પૈકી કેટલાકના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એકશનમાં આવી ગયુ હતું.બાદમાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારની કોણે કોણે મુલાકાત લીધી હતી તેની તપાસનો દોર શરુ થયો હતો.દરમિયાન રાજપારડીના કેટલાક મુસ્લિમ બિરાદરો યુ.પી.સ્થિત કિછૌછા શરીફ દરગાહે દર્શનાર્થે ગયા હતા.બાદમાં આ લોકો દિલ્હી આવ્યા હતા અને નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલ હઝરત નિઝામુદ્દીનબાવાની દરગાહે દર્શન માટે ગયા હતા અને ત્યાં જુજ સમય માટે રોકાયા હતા.જોકે આ વિસ્તારમાં આવેલ તબ્લીગી જમાતના મરકજ સાથે તેમને કોઇ કનેક્શન નથી એમ તેઓએ જણાવ્યુ હતું.બાદમાં નિઝામુદ્દીન વિસ્તારમાં લોકેશન અંતર્ગત તેમની આ વિસ્તારની મુલાકાતની જાણ થતાં આ તમામને રાજપારડી ખાતે તેમના પરિવારો સહિત હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા.દરમિયાન આ લોકો શારિરીક રીતે સ્વસ્થ હોવાનું તબીબી તપાસમાં જણાયુ હતું.દરમિયાન આ ક્વોરેન્ટાઇનમાં રખાયેલ પૈકી મોંહમદફારુક અલીમુદ્દિન પટેલ રહે.પટેલ નગર રાજપારડી અને મોંહમદતન્વિર ઝફરુલ્લા ખોખર રહે.ફૈજનગર રાજપારડી નામના બે યુવકોએ તેઓ શારિરીક રીતે સ્વસ્થ છે અને કોરોનાના કોઇ લક્ષણો ધરાવતા નથી એવી લાગણી વ્યક્ત કરીને પોતે સ્વૈચ્છિક લેબોરેટરી રિપોર્ટ કરાવવા માંગતા હોવાની લાગણી રજુ કરી હતી.બાદમાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા આ બન્ને યુવકોને ભરુચ લઇ જઇને તેઓના રોગ પરિક્ષણ કરવામાં આવતા તેમના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા આ પરિવારો પૈકી ઘણાનો ટેલિફોનીક સંપર્ક કરતા તેઓ સ્વસ્થ હોવાની લાગણી વ્યક્ત કરી હતી.ઉપરાંત મહત્વની વાત એછેકે દિલ્હીની મુલાકાત બાદ આ સઘળા ઇસમો ૧૬ થી ૧૮ માર્ચ દરમિયાન રાજપારડી પરત આવી ગયા હતા.અને તેઓને રાજપારડી આવ્યે ઘણા દિવસો વીતી ગયા છે અને તેઓ સ્વસ્થ છે.તેમજ કોરોના જેવા કોઇ લક્ષણો દેખાતા નથી એવી લાગણી આ પરિવારોએ ઉચ્ચારી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.