“પહેલા જ્યારે અમને અહીં લાવવામાં આવ્યા તો અમને લાગતું હતું કે અમે ખોટા સ્થળે ફસાઈ ગયા છીએ. પરંતુ મોબાઈલ પર સમાચારો સાંભળીને લાગે છે કે અહીં રોકાઈ ગયા તે સારૂ જ થયું.” ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાના રહેવાસી રામહર્ષ ઈન્દ્રિયાલા જણાવે છે. રામહર્ષ અને તેમની સાથેના 12 લોકો પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકડાઉન દરમિયાન અટવાઈ ગયેલા પરપ્રાંતીય શ્રમિકો માટે તૈયાર કરવામાં આવેલા પાંચ પૈકીના એક શેલ્ટર હાઉસ, કે.જી.પરમાર સ્કૂલ ખાતે રહી રહ્યા છે. રામહર્ષ જણાવે છે કે તેઓ સુરત ખાતેની ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. લોકડાઉનની જાહેરાત થતા ધંધા-ઉદ્યોગો બંધ થયા અને તેઓ પોતાના વતન યુ.પી. જવા નીકળ્યા. ટ્રેન, બસ સુવિધા બંધ હોવાથી આ શ્રમિકો પગપાળા જ વતન જવા નિકળી પડ્યા. 31મી તારીખે પંચમહાલના ગોધરા પહોંચ્યા ત્યારે અંધારૂ થઈ ચૂક્યું હતું, આગળ જવા માટે વાહન મળવાની કોઈ શક્યતા નહોતી. પોલિસે જ્યારે તેમને સમજાવ્યું કે રાજ્યોની સરહદો કોરોના સંક્રમણના લીધે બંધ કરી દેવામાં આવી છે ત્યારે તેમણે આ આશ્રયસ્થાનમાં રોકાવા માટે સંમતિ દર્શાવી. હવે રામહર્ષ જણાવે છે કે તેઓ 31 મી માર્ચથી અહીં રહી રહ્યા છે અને કોઈ પ્રકારની તકલીફ નથી. રહેવા માટે સ્વચ્છ ઓરડા, પંખા, પથારી, વિજળી, પાણી, ટોઈલેટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. સુરતની જ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા રાજબહાદુર યાદવ જણાવે છે કે તેઓ બરોડા સુધી વાહનમાં અને ત્યાંથી ચાલતા આવ્યા હતા. જો કે રાયબરેલી સુધી પગપાળા જવાનું શક્ય ન જણાતા તેઓ ચંચેલાવ ખાતે આવેલી આશ્રમશાળામાં રોકાઈ ગયા. તેઓ જણાવે છે કે અમને બે ટાઈમ ચા-નાસ્તો અને જમવાનું આપવામાં આવે છે. ક્યારેક મિષ્ટાન પણ અપાય છે. સાબુ, સેનિટાઈઝર સહિતની સુવિધાઓ છે. બિમાર થઈએ તો મેડિકલ ટીમ છે. મધ્ય પ્રદેશના વતની એવા વિનોદ રાકેશ જણાવે છે કે અહીં કોરોના થવાનો સંભવ નથી કેમ કે બધા જૂથોને અલગ-અલગ રૂમો અપાયા છે અને વિશાળ જગ્યાને પરિણામે સલામત અંતર રાખી શકાય છે. આ શ્રમિકોના મનોરંજન માટે તંત્ર દ્વારા ટી.વી.ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના માણસના સંપર્કથી અન્ય માણસમાં પ્રસરતો રોગ હોવાથી સરકાર દ્વારા તેની ચેઈન તોડવા માટે દેશવ્યાપી લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ શ્રમિકોની જેવા લાખો શ્રમિકો વતન જવા માટે હાલ જોખમી કહેવાય તેવી મુસાફરી ન કરે તે હેતુસર દરેક જિલ્લામાં આ આશ્રયસ્થાનો શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં તેમનું મેડિકલ ચેક-અપ હાથ ધરી કોરોના સંબંધી કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યા છે. જેથી કટોકટીની આ પરિસ્થિતીમાં દેશના દરેક માણસને સુરક્ષિત વાતાવરણમાં રાખી શકાય.
પંચમહાલ રાજુ સોલંકી