જો આનંદ સંત ફકિરી કરે, વો આનંદ નાહી અમિરી મે
લોક ડાઉન એટલે લોકોએ ધરમાં પુરાઈ રહેવાનુ, ધરના દરવાજા બંધ કરી દેવાના પરંતુ હૃદયના એટલે કે દિલના દરવાજા ખોલી નાંખવાના અને લોકો દાનનો ધોધ વહેવડાવી રહ્યાં છે. જેનાથી જેટલી થાય તેટલી સામાજીક દુરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સેવા કરી રહ્યાં છે. ડોક્ટર, નર્સ અને પોલિસ વિભાગને સો-સો સલામ કે જીવ જોખમમાં મુકી આપણી સેવા કરી રહ્યા છે તે આટલી જ સલામ સેવાભાવી યુવાનો, સંતો, મહંતોને કરવી પડે કારણ કે તેઓ પણ સતત લોકસેવા કરી રહ્યાં છે. આજે વાત કરવી છે સૌરાષ્ટ્રના બે પ્રસિધ્ધ સંતોની મિત્રતાની.લોકડાઉને માનવીય સંવેદનાને હચમચાવી નાંખી છે. 21 દિવસ સુધી ધરમાં પુરાઈ રહેવુ નોકરિયાત, વેપારીઓ અથવા જેમની પાસે મુડી છે તેમને કોઈ તકલીફ નથી પરંતુ રોજનું કમાઈ રોજનું ખાતા લોકો માટે તો કોરોનારુપે મોટી આફત આવી પડી છે. પરંતુ તંત્ર, સમાજસેવી સંસ્થાઓ, પોલિસ વિભાગ અને સંતો દ્વારા તમામ જરુરિયાતમંદોને ધર સુધી પહોંચી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવી સેવાભાવી પ્રવૃતિ લગભગ સમગ્ર રાજ્યમાં થઈ રહી છે ત્યારે લોકડાઉનના પ્રથમ દિવસથી જ સાવરકુંડલાના માનવમંદિર દ્વારા સમગ્ર શહેરની શેરીઓ શેરીએ ફરી ભુખ્યાઓની જઠરાગ્ની ઠારવાનો મહાયજ્ઞ થઈ રહ્યો છે. ભક્તિ રામબાપુ અને સેવાદિપ ગૃપના સભ્યો દ્વારા સમગ્ર શહેરમાં ફરી ભોજન કરાવવામાં આવી રહ્યુ છે.ગઈ કાલે સતાધારના મહંત પુજય વિજયબાપુ દ્વારા ટીવીનાઈન ન્યુઝના પત્રકાર મહેન્દ્ર બગડા પર સાવરકુંડલામાં લોકડાઉનમાં શું શું પ્રવૃતી ચાલે છે, કોઈને કંઈ જરુરિયાત હોય તો જણાવવા અને સૌ કુશળ હશો તેવો ફોન આવ્યો. વાત વાતમાં માનવમંદિર દ્વારા ચાલતા અન્નક્ષેત્રનો ઉલ્લેખ થતાં વિજયબાપુએ પોતાના ખાસ મિત્ર એવા ભક્તિરામબાપુને ક્ષેમકુશળનો ફોન કરી આ પ્રવૃતીને બિરદાવી. વિજયબાપુએ કંઈ જરુર હોય તો જણાવશો એવુ પણ કહ્યું, ત્યારે ભક્તિ રામબાપુએ સતાધારના આશિર્વાદ જ મહત્વના છે બાકી બધુ જ અહિંયા સેવકો પહોંચાડી રહ્યાં છે તેમ જણાવ્યું હતુ. પરંતુ જેમ સામાન્ય માણસોની મિત્રતા હોય છે તેમ સંતોની મિત્રતા પણ અનોખી હોય છે. સવારનાં આઠના ટકોરે હાથસણી નજીક આવેલા માનવમંદિરમાં એક ટ્રક આવી ઉભુ રહ્યું. એ ટ્રકમાં ધંઉનો લોટ, તેલ, મરચુ, દાળ, મસાલા, ચા,ખાંડના અલગ અલગ કટાથી લદાયેલ ટ્રક સીધો જ માનવમંદિરના કોઠારમાં ઉભો રહી ગયો. ભક્તિ રામબાપુએ પુછ્યુ કે ભાઈ ક્યાંથી આવ્યા તો કંઈજ જવાબ આપ્યા વગર સામાન ઉતારી ચાલ્યા ગયા. બાદમાં ભક્તિ રામબાપુને જાણ થઈ કે આટલો મોટો પુરવઠો તેમના ખાસ મિત્ર પુજય વિજયબાપુએ મોકલ્યો છે. ભક્તિ રામબાપુ ગળગળાથી ફોન કર્યો કે બાપુ માત્ર સતાધારના આશિર્વાદ આપો, આ વસ્તુની ક્યાં જરુર છે, તો વિજય બાપુએ હસતા હસતા કહ્યું કે અત્યારે રાખી લો, લોકોને જમાડો પછી સમજી લઈશુ. જેમ આપણે સામાન્ય માણસોને મિત્રતા હોય તેમ સંતોની પણ અનોખી દોસ્તી હોય છે. ભક્તિ રામ બાપુ જેમ લોકડાઉનના પ્રથમ દિવસથી જ ભુખ્યાઓને ભોજન કરાવી રહ્યાં છે તે જ રીતે સતાધાર દ્વારા રોજના પાંચ હજાર પરિવારને તેમના ધર સુધી સીધુ સામાન અને ભોજન આપવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રની સંત પરંપરા, આશ્રમો અને જગ્યાઓ જ્યારે જ્યારે માનવી પર સંકટ આવ્યુ છે ત્યારે સૌથી પ્રથમ પોતાના ભંડારો ખોલી પ્રજાને મદદરુપ થાય છે. સંતોની મિત્રતાની અદ્દભુત મિસાલ એટલે સતાધાર મંહિત શ્રી વિજયબાપુ અને માનવમંદિરના ભક્તિ રામબાપુ.
ભક્તિ રામબાપુ અને સેવાદિપ ગૃપના સભ્યો દ્વારા સમગ્ર શહેરમાં ફરી ભોજન કરાવવામાં આવી રહ્યુ છે.
Advertisement