કોરોના સંક્રમણને ફેલાવો અટકાવવા માટે અમલી લોકડાઉનના કારણે રક્તદાન કેમ્પોનું આયોજન હાલપૂરતું બંધ છે. ત્યારે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં રક્તનો યોગ્ય પ્રમાણમાં જથ્થો જળવાઈ રહે તે માટે સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આજે ગોધરાની રેડક્રોસ ખાતે લોકડાઉનના નિયમોનો ભંગ ન થાય તેમજ દાતાઓને નોવેલ કોરોના વાયરસના સંક્રમણનો કોઈ ભય ન રહે તે પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન સાથે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 50 યુનિટ બ્લડના લક્ષ્ય સામે 60 યુનિટ બ્લડ મેળવી શકાયું હતું. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના સીધા માર્ગદર્શન નીચે યોજાયેલ આ પહેલ અંગે પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેનાએ જણાવ્યું હતું કે થેલેસેમીયાના દર્દીઓ, પ્રસૂતિ તેમજ ઈમરજન્સી ઓપરેશન્સ સહિતની આવશ્યક્તાઓ માટે રક્તની સતત જરૂર પડતી હોય છે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ ન થાય તે પ્રકારે આયોજન કરી અલગ-અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ જિલ્લાના પત્રકારમિત્રોનો સંપર્ક કરી રક્ત મેળવવામાં આવ્યું હતું. રેડક્રોસ, ગોધરા દ્વારા તા.22 માર્ચથી તા.31 માર્ચ સુધી થેલેસેમિયાના 27 દર્દીઓને બ્લડ આપવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન પણ પ્રતિદિન 30-35 યુનિટ બ્લડની જરૂર પડે છે. લોકડાઉન દરમિયાન રૂટિન બ્લડ ડોનેશનની પ્રવૃતિ બંધ હોવાથી આ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સંસ્થામાં નોંધાયેલા દાતાઓ, વિવિધ સેવાભાવી-સામાજિક સંસ્થાઓ, મિત્ર મંડળોને ફોન કરી અલગ-અલગ ટાઈમ સ્લોટ ફાળવી સંક્રમણ ન થાય તે માટેની સાવધાનીઓ રાખીને આ આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણના ભયને ધ્યાનમાં રાખીને આયોજન દરમિયાન દાતાઓને ડોનેશન યુનિટમાં પ્રવેશ આપતા પહેલા સેનેટાઈઝ કરવા સહિતની કાળજીઓ રાખવામાં આવી હતી.
ગોધરાના રેડક્રોસ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરાયુ.
Advertisement