સમગ્ર અંકલેશ્વર શહેરમાં અનેક સ્વયંસેવી સંસ્થાઓ જ્યારે જરુરિયાતમંદો માટે કાર્યરત છે ત્યારે અંકલેશ્વર હ્યુમન એઈડ ટ્રસ્ટના સૌજન્યથી મધ્યમ વર્ગીય પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે અંકલેશ્વર હ્યુમન એઈડ ટ્રસ્ટ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે તો સંકળાયેલું છે. અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ઘણા વર્ષોથી સફળતાપૂર્વક ચાલી રહી છે. જેમાં નાત જાતના ભેદભાવ વગર ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ રહ્યા છે. ત્યારે સામાજિક ક્ષેત્રે પણ આ ટ્રસ્ટ દ્વારા ઉત્તમ કામગીરી બજાવવામાં આવી રહી છે. આજે જ્યારે ખરેખર મધ્યમ વર્ગના કેટલાય પરિવારો એવા છે કે જેઓ પોતાના દુઃખ દર્દ છુપાવીને હાથ લંબાવી નથી શકતા. ત્યારે આવા પરિવારોને ઘરે-ઘરે મદદ પહોંચાડવાનું કામ આ ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવ્યું છે. આ અંગે અંકલેશ્વર હ્યુમન એઈડ ટ્રસ્ટના ટ્રસ્ટી નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે ગરીબ પરિવારોને પણ મદદ પહોંચી રહી છે અને ઉચ્ચ વર્ગીય લોકોને પણ તકલીફ નથી પડી રહી. પરંતુ ખરેખર મધ્યમ વર્ગીય પરિવારો જેને કહેવાય એ લોકો અનેક તકલીફોથી પીડાઈ રહ્યા છે અને મદદની જરૂર છે. ત્યારે અમે એવા પરિવારની વહારે આવ્યા છીએ. આગામી દિવસોમાં પણ અમે આવા પરિવારોને ઘરે-ઘરે મદદ પહોંચાડવા માટે કટિબદ્ધ છીએ. આ કિટ વિતરણમાં ઉપસ્થિત માં વિંધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટના જે.જે.શુક્લાએ જણાવ્યું હતું કે અંકલેશ્વર હ્યુમન એઈડ ટ્રસ્ટની કામગીરી ખરેખર ઉત્તમ છે. આ પરિસ્થિતિ સૌ માટે કપરી છે પરંતુ એકમેકના સાથ અને સહયોગથી આ કપરી પરિસ્થિતિમાં પણ સામનો કરી શકાશે.
અંકલેશ્વર હ્યુમન એઈડ ટ્રસ્ટ દ્વારા મધ્યમ વર્ગીય લોકો માટે જરૂરી કીટનું વિતરણ કરાયું.
Advertisement