સવારની પહોરમાં જ્યારે સ્લમ વિસ્તારમાં રહેતા નાના ભૂલકાંને હાથમાં દૂધની થેલી મળે ત્યારે તેના મોઢા પરનું સ્મિત જોઈને કોઈ પણ માણસ પીગળી જાય અને જો સાથે પારલે જી બિસ્કીટ હોય તો સોને પે સુહાગા થઈ જાય. રોજનું કમાઈને રોજ ખાતા ગરીબ પરિવારો માટે લોકડાઉન આ સમયમાં દૂધના રૂપિયા કાઢવા મુશ્કેલ હોય અને બાળકો રોજ સવારે દૂધ માટે ટળવળતા હોય તેમના વાહરે આવ્યું છે
દુધધારા ડેરી અને અંકલેશ્વરના ઉદ્યોગ મંડળ સાથે નોટીફાઈડ ઓફિસ.ભરૂચના દાતાઓએ આવા જ સ્લમ વિસ્તારમાં રહેતા નાના ભૂલકાઓને રોજ સવારે 07:00 કલાકે દૂધ અને બિસ્કિટ આપવાનું નક્કી કર્યું છે. જેમાં ભરૂચ શહેરની ત્રણ મોટી યુવા સંસ્થાઓના 150 જેટલા યુવાનો આ શ્રમ દાનમાં જોડાયા. સ્થાનિક પત્રકારો, હેલ્પીંગ હેન્ડ સંસ્થા, હેલ્પીંગ હાર્ટ સંસ્થા અને બાહુબલી-2 સંસ્થાના યુવાનો અને સ્થાનિક યુવાનો રોજ સવારે 7:00 કોઈ એક સ્થળ ઉપર ભેગા થઇ અને દૂધનો ટેમ્પો આવે અને બિસ્કીટ ભરીને ગાડી આવે પછી દરેક યુવાઓ પોત પોતાની ટીમ સાથે દૂધ અને બિસ્કિટ લઈને પોતાના વાહનમાં રવાના થઈ જાય. નક્કી કરેલ કોઈપણ એક સ્લમ વિસ્તારમાં જઈ અને દરેક ઘરમાં ફરી નાના ભૂલકાઓને બિસ્કિટ અને દૂધનું વિતરણ કરે છે. જ્યારથી લોકડાઉનની શરૂઆત થઈ ત્યારે ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા ભંડારા ચલાવવામાં આવી રહ્યા છે. રોડ ઉપર સુતેલા ભિક્ષુકો, પોલીસ જવાનોને પાણીની બોટલો અને અન્ય નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંય કોઈ પણ સંસ્થાનું ધ્યાન આ નાના ભૂલકા ઉપર ના ગયું જે રોજ સવારે ઊઠે છે, પરંતુ લોકડાઉનના કારણે અથવા ઘરમાં નાણાંની અછતના કારણે દૂધ અને પોષણક્ષમ આહારથી વંચિત રહે છે. પરંતુ ભરૂચના આ દોઢસો યુવાનોએ આ બાળકોને દૂધ અને બિસ્કિટ પહોંચાડવાનું નક્કી કર્યું. જેમાં યુવાનોને સાથ મળ્યો ભરૂચની દૂધધારા ડેરીના ઘનશ્યામભાઈ પટેલનો અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સાથે નોટીફાઈડ એરિયા દ્વારા પાલેજ જઈ બિસ્કીટના 10000 પેકેટ આ ભૂલકાઓ માટે ફાળવવામાં આવ્યા. ભરૂચ શહેરની 8 મોટી ઝૂંપડપટ્ટી નક્કી કરવામાં આવી છે. જ્યાં દરેક વિસ્તારમાં 100 થી માંડીને 300 પરિવારો આવેલા છે. દરેક ઝૂંપડામાં કેટલા બાળકો છે તેની પણ તપાસ કરવામાં આવી. ત્યારે એક અંદાજિત આંકડો આવ્યો કે ભરૂચ શહેરમાં આઠ ઝુપડપટ્ટી છે તેમાં 1400 જેટલા નાના મોટા બાળકો લોકડાઉનના કારણે દૂધથી વંચિત છે. લોકડાઉન વધારવાની તારીખ આવી. લોકડાઉનનો સમય થયો ૨૧ દિવસ એટલે હવે બાળકોને હજુ એકવીસ દિવસ સુધી દૂધ વિના રહેવું પડશે તેવી પરિસ્થિતિ ઉભી થાય તે પહેલાં જ પહેલી તારીખથી આ દૂધનું વિતરણ શરૂ કરવામાં આવ્યું. જે ફક્ત નાના બાળકો માટે જ શરૂ થયું. દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ દ્વારા ડેરીમાંથી 1400 નંગ રોજ ૨૦૦ મિલીગ્રામ દૂધના પાઉચ આપવાનું નક્કી થયું. તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટીફાઈડ એરિયા દ્વારા દુધધારાના દૂધની સાથે પારલે જી બિસ્કીટ પણ આપવાનું નક્કી થયું. અંકલેશ્વર મંડળ અને નોટીફાઈડ એરિયા દ્વારા આ નાના ભૂલકાઓ માટે 10000 બિસ્કીટના પેકેટ આપવામાં આવ્યા. ભરૂચ શહેરની ભાગાકોટ ઝૂંપડપટ્ટી, જુની કોર્ટ અને પાયોનીયર ઝુપડપટ્ટી, સાધના સ્કૂલ નીચે અખાડા પાસેનો વિસ્તાર, મામલતદાર ઓફીસની બાજુમાં સોન તલાવડી ઝૂંપડપટ્ટી, ઇન્દીરાનગર અને ફલશ્રુતિ નગરની પાછળ આવેલ ઝુપડપટ્ટી, અયોધ્યા નગરની ખાડી ઉપર આવેલી ઝુપડપટ્ટી, નીલકંઠ નગર ઝુંપડપટ્ટી અને વાલ્મીકિ વાસ, સિવિલ રોડ ઉપર આવેલી ઝુપડપટ્ટી, રતન તળાવ ઝુપડપટ્ટીમાં રોજેરોજ દોઢસો યુવાનોની અલગ-અલગ ટીમ ઘેર ઘેર જઈને નાના ભૂલકાઓને હવે દૂધના પાઉચ અને બિસ્કીટ લોક ડાઉનલોડ પૂર્ણ થશે ત્યાં સુધી આપશે.
દુધધારા ડેરી અને અંકલેશ્વરનાં ઉદ્યોગ મંડળ સાથે નોટીફાઈડ ઓફિસ દ્વારા સલ્મ વિસ્તારમાં રહેતા નાના ભૂલકાઓને રોજ સવારે 07:00 કલાકે દૂધ અને બિસ્કિટ આપવાનું નક્કી કર્યું.
Advertisement